અમરેલીમા એરપોર્ટની દિવાલનુ કામ રાખનાર કોન્ટ્રાકટરને કામ મોડુ કરવા સબબ 15 લાખથી વધુનો દંડ થયો હોય ઇજારદારે તેનાથી બચવા ઉપ સચિવની ખોટી સહીથી પત્ર રજુ કરતા આ બારામા તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.અમરેલી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.કે.સોલંકીએ આ બારામા શામજીભાઇ એમ.શેલડીયા, સાઇટ સુપરવાઇઝર દેવેન્દ્ર પ્રાગજી સાવલીયા સામે સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે મેસર્સ એસ.એમ.શેલડીયાને 2020મા ઓનલાઇન ટેન્ડરથી અમરેલીમા રૂપિયા 1.12 કરોડનુ એરપોર્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનુ કામ અપાયુ હતુ.
ચાર માસમા કામ પુર્ણ કરવાનુ હતુ પરંતુ પુર્ણ ન થતા પ્રતિ દિન 0.01 ટકા લેખે 15.13 લાખનો દંડ વસુલ કરવામા આવ્યો હતો. જો કે મેસર્સ એસ.એમ.શેલડીયાની પેઢી અને સુપરવાઇઝર દ્વારા વાવાઝોડાના કારણે કામ વિલંબમા હોય સમય મર્યાદા વધારવા રજુઆત કરાઇ હતી. જેની દરખાસ્ત ચાલુ હતી તે સમયે તેમણે ગાંધીનગરના આ વિભાગના ઉપ સચિવ એસ.આઇ.પટેલનો બનાવટી પત્ર રજુ કરી સમય મર્યાદા વધારાઇ હોવાનુ સ્થાનિક ઇજનેરને જણાવ્યું હતુ જેથી દંડની રકમ પરત મળી જાય પરંતુ પત્ર અને ઉપ સચિવની સહી બનાવટી લાગતા તપાસ કરાઇ હતી અને પત્ર બોગસ હોવાનુ જણાતા ફોજદારી ફરિયાદ કરાઇ હતી.
પત્ર ઉપસચિવનો પણ ફોન નંબર અમરેલી કચેરીના
કોન્ટ્રાકટર અને સુપરવાઇઝરે ઉપસચિવના નામે મંજુરીનો જે પત્ર રજુ કર્યો હતો તેમા ઉપરની તરફ ટેલીફોન નંબર અમરેલીની કચેરીના દર્શાવ્યા હતા જેથી તેમની શંકા વધુ દ્રઢ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.