વિધાનસભાની ચુંટણી દરમિયાન આજે પ્રચાર અભિયાનનો અંત આવી ગયો હતો. ભાજપે એક પખવાડીયામા સ્ટાર પ્રચારકોની મોટી ફોજ ઉતારી દીધી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જિલ્લામા પાંચ કોંગીના ઉમેદવારોના પ્રચાર માટે એકપણ સ્ટાર પ્રચારકને મેદાનમા ઉતારાયા ન હતા.જો કે કોંગ્રેસના ચારેય ધારાસભ્યએ એક વર્ષ અગાઉથી જ ચુંટણીની તૈયારી શરૂ કરી હતી. 22મી તારીખે અમરેલીમા રાહુલ ગાંધીની સભાનુ આયોજન પણ નક્કી કરાયુ હતુ પરંતુ તે અંતિમ ઘડીએ રદ કરાયુ હતુ.
આવી જ રીતે કોંગ્રેસે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની સભા પણ બાબરામા ગોઠવવા આયોજન કર્યુ હતુ. આ સભા પણ આગલા દિવસે જ રદ થઇ ગઇ હતી. ત્યારબાદ જિલ્લામા કોંગ્રેસના એકપણ સ્ટાર પ્રચારક આવ્યા ન હતા. કોંગીના સુત્રો કહે છે સ્ટાર પ્રચારકો આવે ત્યારે ઉમેદવારો પ્રચાર પડતો મુકી તેમની પાછળ વ્યસ્ત રહે છે તેના બદલે ઉમેદવારો સીધા જ લોકોની વચ્ચે રહે તેવી સ્ટ્રેટેજી અપનાવાઇ હતી.
બીજી તરફ ભાજપે તો જિલ્લામા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા યુપીના સીઅેમ યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત સી.આર.પાટીલ, પુરૂષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા અને છેલ્લા દિવસે પરેશ રાવલને મેદાનમા ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન જેવા મુખ્ય નેતાઓ અને દિલ્હી પંજાબના અનેક ધારાસભ્યોને પ્રચારના કામે લગાડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.