પોલિટીકલ:4 લાખ લોકો પાસે મતદાન કરાવવાનો પડકાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 2 લાખથી વધુ મતદારો અન્ય જિલ્લામાં સ્થાયી : દાહોદ, ગોધરા પંથકના 2 લાખથી વધુ લોકોનો અમરેલી જિલ્લામાં વસવાટ

અમરેલી જિલ્લામા ચુંટણી તંત્ર વધુને વધુ લોકો મતદાનમા ભાગ લે તેની જાગૃતિ માટે કામે લાગેલુ છે. અને મતદાન પ્રત્યે લોકોમા જાગરૂકતા પણ જોવા મળે છે પરંતુ ચાર લાખથી વધુ લોકો એવા છે જેની પાસે મતદાન કરાવવાનો મોટો પડકાર તંત્ર સામે છે. કારણ કે બે લાખથી વધુ લોકો અમરેલી જિલ્લામાથી બહાર વસી રહ્યાં છે અને તેટલા જ પ્રમાણમા બહારના લોકો અહી વસી રહ્યાં છે.

ખેતી પ્રધાન અમરેલી જિલ્લામા અન્ય કોઇ મોટા ધંધા ઉદ્યોગ ન હોય અહીનુ યુવાધન મોટા પ્રમાણમા રાજયમા અને રાજય બહાર ધંધાર્થે વસવાટ કરે છે. બહાર વસતા લોકોમા સૌથી વધુ લોકો સુરત, વડોદરા, અમદાવાદ અને મુંબઇ ખાતે વસે છે. યુવા વર્ગ પરિવાર સાથે જુદાજુદા શહેરોમા સ્થાયી થયો છે અને તેમના વૃધ્ધ માબાપ ગામડે વતનમા રહી ખેતી કે ઘરબાર સાચવે છે. મોટાભાગનો યુવા વર્ગ ખેતી સાથે સંકળાયેલો હોય ખેત ધિરાણ પણ મેળવે છે. અને તેમના આધારકાર્ડ, મતદારકાર્ડ વિગેરે અમરેલી જિલ્લાના હોય છે અને મતાધિકાર પણ આ જિલ્લામા જ ધરાવે છે. માત્ર વહિવટી તંત્ર જ નહી પરંતુ ચુંટણી લડતા ઉમેદવારો માટે પણ પોતાના ટેકેદારો વતનમા એક દિવસ આવી મતદાન કરે તે પડકારજનક બને છે.

અમરેલી જિલ્લામા અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા વિગેરેના ગ્રામ્ય વિસ્તારમાથી બહાર જનારા લોકોની સૌથી વધુ વસતિ છે. જેથી અમરેલી, લાઠી અને સાવરકુંડલા સીટ પર આ પડકાર સૌથી વધુ છે. આવી જ રીતે ગ્રામિણ વિસ્તારમા મોટાભાગે ખેતી હવે આદિવાસી મજુરો સંભાળે છે જે મહદઅંશે દાહોદ ગોધરા પંથક ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાથી પણ આવે છે. ચુંટણી ગુજરાતની છે એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશના મજુરોથી કશો ફર્ક નથી પડતો પરંતુ દાહોદ ગોધરા પંથકના મજુરો અમરેલી જિલ્લામા ખેતીકામમા રોકાયેલા હશે જેની અસર તે વિસ્તારની સીટો પર પણ પડશે.

સુરત, અમદાવાદથી ખાસ મતદાન માટે લવાશે લોકોને
આમ તો દર ચુંટણીમા ઉમેદવારો પોતાના ટેકેદારો છેક સુરત, અમદાવાદથી વતનમા આવી મતદાન કરી જાય તે માટે દોડધામ કરે છે. આ માટે ખાસ બસો પણ દોડાવવામા આવે છે. આ ચુંટણીમા પણ ખાસ કરીને રત્નકલાકારો માત્ર એક દિવસ માટે વતનમા આવી મતદાન કરી પરત ચાલ્યા જાય તેવી ગોઠવણ અત્યારથી થઇ રહી છે.

અમરેલી, કુંડલા અને બાબરા સીટ સૌથી વધુ પ્રભાવિત
રાજુલા જાફરાબાદ પંથકમા પ્રમાણમા આવી સ્થિતિ જોવા મળતી નથી. યુવા વર્ગ બહાર હોવાની સ્થિતિ સૌથી વધુ અમરેલી, સાવરકુંડલા, બાબરા સીટ પર જોવા મળે છે. આ ઉપરાંત ધારી બગસરા સીટ પર પણ તેની ઘણા અંશે અસર જોવા મળે છે.

ત્રણ હજાર માછીમારોના મતદાનનો પણ અનોખો પડકાર
અમરેલી જિલ્લાની 700થી વધુ બોટો કાયમ દરિયામા માછીમારી માટે હોય છે. હાલમા માછીમારીની સિઝન ચાલી રહી છે. ત્રણ હજારથી વધુ માછીમારો સતત દરિયામા છે અને આવજા કરે છે. મતદાનના દિવસે તેઓ કાંઠે હોય અને મત આપવા જાય તેનો પ્રયાસ કરવાનો પણ તંત્ર સમક્ષ પડકાર છે. જો કે દર વખતે માછીમાર આગેવાનો શકય તેટલા માછીમારોને મતદાન વખતે કાંઠે બોલાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...