ધોળા દિવસે શ્વાનની જેમ દીપડાની લટાર:અમરેલીના સાજીયાવદરમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગે 2 દીપડાને પાંજરે પુર્યા, હજુ વધુ હોવાની આશંકા

અમરેલી25 દિવસ પહેલા
  • ગામમાં દીપડાના આંટાફેરાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે
  • દીપડાને લઈ ગ્રામજનો અગાસી ઉપર આમથી તેમ દોડધામ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું

અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા 5 દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે 2 દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી બે દીપડાને પાંજરે પુર્યા હતા. જોકે, હજું પણ વધુ દીપડા હોવાની ગ્રામજનોની આશંકા છે. જેથી ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ રજૂઆત કરતા વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યાં છે. આ વચ્ચે દીપડાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીપડો ધોળા દિવસે શ્વાનની જેમ રહેણાંક વિસ્તારમાં દોડધામ કરતો જોવા મળી રહ્યો છે.

દીપડાને લઈ ગ્રામજનો અગાસી ઉપર આમથી તેમ દોડધામ કરી રહ્યા હતા. સમગ્ર ગામમાં દીપડાની લટારને લઈ ભયનો માહોલ છવાયો છે. જંગલ વિસ્તારનો ખૂંખાર દીપડો શ્વાનની જેમ લટાર મારી રહ્યો છે જેને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

દીપડાને પકડવા વનવિભાગ દોડધામ કરી રહ્યું છે. દીપડો ક્યાં વિસ્તારમાંથી આવે છે અને ક્યાં વિસ્તારમાં નાસી જાય છે તેનું લોકેશન શોધવા માટે ગ્રામજનોને સાથે રાખી વનવિભાગે કવાયત શરૂ કરી છે.

લીલીયા રેન્જના આર.એફ.ઓ હિરેન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, 2 દીપડાને પાંજરે પુરી દીધા છે. તેમજ વધુ 1 દીપડો હોવાને કારણે 2 પાંજરા ગોઠવ્યાં છે. તેમજ અમારી ટીમ તે ગામમાં હાજર છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCF જયંત પટેલએ જણાવ્યું કે, હજુ એક દીપડો હોવાનું ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જેથી અમારી ટીમને પાંજરા સાથે ત્યા જવાની સૂચના આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...