અમરેલી પંથકમા બે દિવસ પહેલા ખાંભા, રાજુલા, સાવરકુંડલા વિસ્તારમા કમોસમી વરસાદ ખાબકયો હતો. ત્યારે આજે અમરેલી પંથકમા છુટાછવાયા વાદળો વચ્ચે તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો. જેને પગલે આકરી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. અમરેલી પંથકમા ગરમીનો પારો જાણે નીચે ઉતરવાનુ નામ લેતો નથી.
પાછલા એકાદ પખવાડીયા કરતા વધુ સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહેતુ હોય અહી આકરો તાપ પડી રહ્યો છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25.5 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ વધીને 83 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 7.9 કિમીની રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો અને ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમા કમોસમી વરસાદ પડયો હતો. અમરેલી પંથકમા આજે પણ આખો દિવસ આકાશમા છુટાછવાયા વાદળો ઘેરાયા હતા.
આખો દિવસ ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. આકરી ગરમીથી બચવા લોકો અનેકવિધ ઉપાયો અજમાવતા પણ નજરે પડી રહ્યાં છે. અત્રે નોંધનીય છેકે, રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાતા જનજીવન પર અસર પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.