સિંહ મુકત વિસ્તાર:સાવરકુંડલાના ઘનશ્યામનગરમાંથી એકસાથે 8 સિંહને તંત્રએ પાંજરે પૂર્યા

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસમાં ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટના બાદ આ વિસ્તારના તમામ સિંહને પકડી લેવાયા

સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગરની સીમમા છેલ્લા ત્રણ માસ દરમિયાન નરભક્ષી બનેલા સાવજે એક પછી એક ત્રણ વ્યકિતને ફાડી ખાધાની ઘટના બાદ વનતંત્રએ હવે આ વિસ્તારના તમામ સિંહને પાંજરે પુરી દઇ સમગ્ર વિસ્તારને સિંહ મુકત કરી દીધો છે. અગાઉ આઠ સિંહ અને એક દીપડાને પાંજરે પુરાયા બાદ આજે વધુ આઠ સાવજને પાંજરે પુરવામા આવ્યા હતા.

ઘનશ્યામનગરની સીમમા બે દિવસ પહેલા સાવજે રફિક શંભુભાઇ મુનીયા (ઉ.વ.7) નામના પરપ્રાંતિય બાળકને ઉપાડી જઇ મારી નાખ્યો હતો. તેના થોડાક દિવસ પહેલા પણ એક સાવજે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધેા હતો. જયારે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધાની ઘટના બની ત્યારે વનતંત્રએ એક સિંહણ તથા બે પાઠડાને પાંજરે પુર્યા હતા અને તેને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડયા છે. તે સમયે નરભક્ષી સાવજ ઝડપાઇ ગયાની શકયતા જોવાતી હતી. પરંતુ વધુ એક બાળકને સિંહે ફાડી ખાધાની ઘટના બાદ એ નક્કી થઇ ગયુ હતુ કે માનવભક્ષી સાવજ પાંજરામા સપડાયો નથી.

જેને પગલે વનતંત્ર દ્વારા આ વિસ્તારના તમામ સાવજોને ઉપાડી લેવાનો નિર્ણય કરવામા આવ્યો હતો અને છેલ્લા બે દિવસના રેસ્કયુ ઓપરેશન દરમિયાન આ વિસ્તારના આઠ સાવજોને ટ્રાન્કવીલાઇઝ કરી પાંજરે પુરવામા આવ્યા છે. થોરડી, વાવડી અને ઘનશ્યામનગરની સીમમાથી એક નર, બે માદા અને બચ્ચા મળી આઠ સાવજોને પકડી લેવામા આવ્યા છે. જે તમામને હાલમા આંબરડી એનીમલ કેર સેન્ટરમા ખસેડવામા આવ્યા છે.

આ પુર્વે ત્રણ માસ પહેલા બાજુના વાવડી ગામની સીમમા પણ સાવજે 13 વર્ષના કિશોરને ફાડી ખાધા બાદ પાંચ સાવજોને પકડી બાબરકોટ એનીમલ કેર સેન્ટરમા મોકલી દીધા હતા. આમ હવે આ વિસ્તારને સાવજ મુકત કરી દેવાયો હોય લોકોને રાહત થઇ છે. આ સાવજોને હવે કયાં મુકત કરવા ? અથવા કેટલા સાવજને કાયમ માટે પાંજરે પુરવા ? તે આવનારા સમયમા નિરીક્ષણ બાદ નક્કી કરવામા આવશે.

નરભક્ષી સાવજ કયો ?હજુ અવઢવ...
અહી તંત્ર માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે પાંજરે પુરાયેલા સાવજો પૈકી નરભક્ષી સાવજ કયો છે તે કહેવુ મુશ્કેલ છે. કારણ કે અગાઉ પકડાયેલા સાવજોમાથી પણ નક્કી થઇ શકયુ નથી અને આજે જે આઠ સાવજો પકડાયા તેમાથી એકેયે બાળકને ખાધો ન હતો. આમ તેના મળના આધારે નક્કી નહી કરી શકાય. ફુટમાર્કના આધારે સાવજની ઓળખ મેળવવા પ્રયાસ કરાશે. પરંતુ તે પરિણામ સચોટ હેાતુ નથી.

આસપાસના વિસ્તારમાં હવે એકેય સાવજ નહીં
સાવજો પોતાની ટેરેટરી બનાવીને રહે છે. ત્રણ માસમા ત્રણ લોકોને સાવજોએ મારી નાખ્યાની ઘટના બાદ તંત્રએ આ વિસ્તારના તમામ સાવજોને પાંજરામા પુરી દીધા છે. આમ હવે સમગ્ર વિસ્તારમા એકેય સાવજ નથી.

અગાઉ આંબરડીમાંથી તમામ સાવજ કેદ કરાયા હતાં
ભુતકાળમા ધારીના આંબરડી નજીક પણ સાવજોએ એક માસમા ત્રણ વ્યકિતને મારી નાખ્યાની ઘટના બની હતી. તે વખતે પણ આ વિસ્તારના તમામ સાવજને કેદ કરી લેવાયા હતા. જો કે તેમાથી નરભક્ષી સાવજને અલગ તારવી લેવાયા બાદ બાકીના સાવજોને મુકત કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...