શિવકથામાં CM:અમરેલીના કોવાયામાં ચાલતી કથામાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો, 75 અમૃત સરોવર બનાવવાનો નિર્ધાર કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક જીવમાં શિવ જોઇને રાજ્યના નાગરિકોને પાયાની સુવિધાઓ પુરી પાડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્યમંત્રીએ શિવકથાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતાં જ આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થાય છે. શિવકથામાં સામેલ થવા બદલ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ગુડ ગવર્નન્સના અમલ થકી સમગ્ર દેશને સુશાસનના રાહ પર પ્રેરિત કર્યો છે એ પગલે ચાલીને રાજ્ય સરકારે પણ ગુડ ગવર્નન્સનો સર્વાંગી અમલ કર્યો છે. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા કરેલા આહવાનને ગુજરાત ઝિલી લેવા તત્પર છે તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના દરેક જિલ્લામાં આવા 75 અમૃત સરોવર નિર્માણનો આપણો નિર્ધાર છે.રાજ્યના પ્રત્યેક નાગરિકના જીવમાં શિવ જોઇને સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી,મકાન જેવી પાયાની સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ધરતીમાતાનું સ્વાસ્થ્ય સુધારવા અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂકયો હતો અને ઉમેર્યું હતું કે આમ કરવાથી જમીનનું આરોગ્ય સુધરશે, મૂલ્યવાન પૌષ્ટિક ખોરાકની ભેટ મળી શકશે અને નાની ઉંમરે થતા ગંભીર રોગોથી બચી શકાશે.મુખ્યમંત્રીએ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરવા અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ પ્રેરિત થવા અનુરોધ કર્યો હતો.

કથા બાદ જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મંદિરે દર્શન કર્યા હતા. મહંત જોગેન્દ્ર બાપુએ મુખ્યમંત્રીને આ સ્થાનના ઐતિહાસિક મહત્વથી માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને મળ્યા હતા. વ્યાસપીઠ પર બિરાજેલા પૂજ્ય ગીરીબાપુ પાસેથી ભૂપેન્દ્ર પટેલે આશીર્વચન ગ્રહણ કર્યા હતા.મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણા, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય જે. વી. કાકડીયા, તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા,રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...