ઉનાળું વાવેતર:અમરેલી જિલ્લામાં ઉનાળું વાવેતરનો પ્રારંભ, 18221 હેક્ટરમાં તલ, મગફળી અને ઘાસચારાનું વાવેતર થયું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 31446 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું હતું : હજુ પણ આગામી દિવસોમાં તલ અને ઘાસચારાનું વાવેતર વધશે

અમરેલી જિલ્લામાં ઓણસાલ ઉનાળું વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 18221 હેક્ટરમાં તલ, મગફળી અને ઘાસાચારો સહિતનું વાવેતર થઈ ગયું છે. ગત વર્ષે જિલ્લામાં 31446 હેકટરમાં ઉનાળું વાવેતર નોંધાયું હતું. હજુ આગામી દિવસોમાં જિલ્લાભરમાં ઉનાળું વાવેતરમાં વધારો થશે.

ઓણસાલ અમરેલી જિલ્લામાં ભરપુર માત્રામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ચેકડેમથી માંડી જળાશયો છલોછલ થઈ ગયા હતા. અત્યારે પણ ભુતરમાં પુસ્કર પાણી છે. જેના કારણે ખેડૂતોએ ઉનાળું વાવેતર આરંભ કર્યો છે. ગત વર્ષે અમરેલી જિલ્લામાં 26 માર્ચ સુધીમાં 31446 હેક્ટરમાં બાજરી, મગ, અડદ, મગફળી, તલ, ડુંગળી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર નોંધાયું હતું. ત્યારે ઓણસાલ અત્યાર સુધીમાં 18221 હેક્ટરમાં ઉનાળું વાવેતર થઈ ગયું છે.

અત્યારે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળું વાવેતર શરૂ છે. આગામી દિવસોમાં વાવેતર વધશે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધારે 5515 હેક્ટરમાં તલ, 5283 હેક્ટરમાં ઘાસચારો, 1521 હેક્ટરમાં મગફળી અને 1892 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. તો ધારી ગીર પંથકમાં 2 હેક્ટરમાં શેરડીનું પણ વાવેતર થયું છે.

ઓછા વરસાદના કારણે લાઠીમાં ઉનાળું વાવેતર શરૂ થયું જ નથી
અમરેલી જિલ્લાભરમાં ઓણસાલ મેઘરાજાએ મહેરબાની વરસાવી હતી. પરંતુ લાઠી તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. જેના કારણે ઉનાળાના આરંભે જ ભુતરમાં પાણી ઓછા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લાઠી તાલુકામાં ગત વર્ષે 3250 હેક્ટરમાં ઉનાળું વાવેતર થયું હતું. પરંતુ અત્યાર સુધીમાં લાઠી તાલુકામાં વાવેતર થયું જ નથી.

અન્ય સમાચારો પણ છે...