નિર્ણય:જિલ્લાની શાળાઓમાં છાત્રોને 1 કલાક વધારે અભ્યાસ કરાવાશે, શિક્ષણ અધિકારીની અપીલ પર જુદાજુદા સંઘે હામી ભરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં અભ્યાસક્રમ પર પડેલ વિક્ષેપને દુર કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય

અમરેલી જિલ્લાની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને એક કલાકનો ‌વધારાનો અભ્યાસ અપાશે. કોરોના કાળમાં અભ્યાસ પર પડેલી માઠી અસરને પહોંચી વળવા માટે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો હતો. શિક્ષણ વિભાગની જુદાજુદા સંઘ સાથે આજે બેઠક મળી હતી. જેમાં એક કલાક વધારે અભ્યાસ આપવાના પ્રસ્તાવને તમામ સંઘે વધાવી લીધો હતો. અને આગામી 25 ડિસેમ્બરથી શાળામાં એક કલાક અભ્યાસ વધારવા માટે સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો. કોરોના મહામારીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણમાં વિક્ષેપ પડ્યો હતો.

તેને પુરવા માટે શિક્ષણ વિભાગે એપ્રીલ સુધીમાં વિદ્યાર્થીઓને 100 કલાકનું વધારાનું શિક્ષણ આપવા માટે નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી. પ્રજાપતી અને શિક્ષણ નિરીક્ષક જી.એમ. સોલંકીની ઉપસ્થિતિમાં આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, રાષ્ટ્રીય શૈક્ષક સંઘ, સરકારી શિક્ષક સંઘ, વહિવટી સંઘ સહિત વિગેરે સંઘ સાથે બેઠક મળી હતી.

અહી અમરેલી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને એક કલાક વધારે અભ્યાસ આપવા માટે શિક્ષણ વિભાગે તમામ સંઘને અપીલ કરી હતી. જેને આ તમામ સંઘે વધાવી લીધો હતો. અને 25 ડિસેમ્બરથી 15મી એપ્રીલ સુધી તમામ શાળામાં શાળાના અનુકુળ સમયે એક કલાક છાત્રોને વધારાનો અભ્યાસ કરાવાશે. શિક્ષણ ‌‌વિભાગના સુત્રોમાંથી મળતી વિગત મુજબ પ્રાથમિક શાળાઓમાં પણ એક કલાક અભ્યાસ લંબાવાશે. જો કે આ અંગે હજુ બેઠક મળવાની બાકી છે.

છાત્રોને શંુ શિક્ષણ અપાશે?
શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે કઠીન મુદ્દાઓનું રીપીટેશન કરાશે. કોરોના કાળમાં બાકી રહેલા મુદ્દાનો અભ્યાસ કરાવાશે. અને બાળકોને જે ન સમજાયું હોય તેમાં વધુ અભ્યાસ કરાવાશે.

શનિવારે બે કલાકનો અભ્યાસ વધારાયો
શિક્ષણ નિરીક્ષક જી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે સોમવારથી શુક્રવાર સુધી શાળાઓમાં એક કલાક સુધી વધારાનો અભ્યાસ કરાવાશે. અને શનિવારે બે કલાક સુધી વધારાનો અભ્યાસ વિદ્યાર્થીઓને અપાશે. ઉપરાંત જે શાળા જાહેર રજાના દિવસે અભ્યાસ કરાવવા ઈચ્છે તે પણ જાહેર રજામાં બાળકોને અભ્યાસ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...