અમરેલી શહેરમા આમ તો પાછલા ઘણા સમયથી જાહેર માર્ગો પર રેઢીયાર ઢોરનો ત્રાસ છે. અનેક વખત રજુઆત બાદ પણ તંત્ર દ્વારા આ દિશામા કોઇ કાર્યવાહી કરાતી ન હોય માર્ગો પર રેઢીયાર ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે અને ટ્રાફિક જામ સહિતની સમસ્યાથી લોકો પિડાઇ રહ્યાં છે.
શહેરમા જાહેર માર્ગો પર રેઢીયાર ઢોરની સમસ્યા વધી છે. ખાસ કરીને અહીના રાજકમલ ચોક, શાકમાર્કેટ, ચિતલ રોડ, સ્ટેશન 4 રોડ વિગેરે વિસ્તારોમા રેઢીયાર ઢોર માર્ગો પર ટોળા વળીને બેસી જાય છે. જેના કારણે ઘણી વખત તો એસટી બસ સહિત મોટા વાહનોને પસાર થવામા પણ મુશ્કેલી પડી રહી છે. તો શાકમાર્કેટ નજીક ઢોરના ત્રાસથી મહિલા વર્ગને હાડમારી વેઠવી પડી રહી છે. અનેક વખત રેઢીયાર ઢોર વૃધ્ધો, મહિલાઓ અને બાળકોને ઢીંકે ચડાવી નાની મોટી ઇજા પહોંચાડે છે.
અગાઉ થોડા દિવસ પાલિકા દ્વારા શહેરમા રખડતા રેઢીયાર અને માલિકીના ઢોર સામે કાર્યવાહી કરી હતી. પરંતુ બાદમા ફરી એમની એમ સ્થિતિ થઇ ગઇ છે. અહીના ચિતલ રોડ અને સ્ટેશન રોડ પર આ સમસ્યા વધુ છે. આ ઉપરાંત અહીના કેરીયારોડના ખુણે તો એક તરફ ઉકરડો અને ઢોરના ત્રાસથી વાહન ચાલકોને પસાર થવામા મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.
હનુમાનપરામા આખલાનો ત્રાસ તો બીજી તરફ અહીના હનુમાન પરા વિસ્તારમા તો આખલાની સંખ્યા વધુ હોય તેમ જોવા મળી રહ્યું છે. અહીના માર્ગો અને સોસાયટી વિસ્તારોમા મોટી સંખ્યામા આખલાઓ આંટાફેરા મારે છે. અનેક વખત આખલાની લડાઇ જામે છે. અહીથી પસાર થતા અનેક લોકોને આખલાએ ઢીંકે ચડાવી ઇજાઓ પહોંચાડયાની ઘટનાઓ પણ બની ચુકી છે.તસવીર- જયેશ લીંબાણી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.