બોટાદમા રેલવે સ્ટેશન પાસે રહેતા શખ્સે ઇન્દોરમા કથાકાર બની મહિલાઓને હરિદ્રારમા કથામા લઇ જવાનુ કહી 45 લાખની રોકડ રકમ ઉઘરાવી રફુચક્કર થઇ ગયા બાદ લીલીયા પોલીસે આજે આ શખ્સને લીલીયામાથી ઝડપી લીધો હતો.રૂપિયા 45 લાખની છેતરપીંડીની આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમા બની હતી.
બોટાદમા રેલવે સ્ટેશન પાસે લાતી બજાર પાછળ એમ.એમ.પ્રેસ વિસ્તારમા રહેતો અજીત બળવંતભાઇ ચૌહાણ (ઉ.વ.32) નામના યુવાને ગત વર્ષે મધ્યપ્રદેશમા ઇન્દોરમા આ છેતરપીંડી આચરી હતી. તે ઇન્દોરમા પ્રભુજી મહારાજ તરીકે કથાકાર બનીને કામ કરતો હતો. જુન 2021મા તેણે આ વિસ્તારની મહિલાઓને હરિદ્રારમા કથા સાંભળવા લઇ જવાની યાત્રાનુ આયોજન કર્યુ હતુ.
તેણે આ અંગેની જાહેરાત કરતા ઇન્દોર પંથકની ચાર હજારથી વધુ મહિલાઓએ રૂપિયા 500થી લઇ 1000 સુધીની ફી ભરી હતી. કુલ રૂપિયા 45 લાખ જેવી રોકડ રકમ ઉઘરાવી મહિલાઓને હરિદ્રારમા નહી લઇ જઇ તેણે છેતરપીંડી આચરી હતી. 45 લાખની રકમ હાથમા આવી જતા કથાકાર પ્રભુજી મહારાજ ઉર્ફે અજીત ચૌહાણ ત્યાંથી નાસી છુટયો હતો.
મધ્યપ્રદેશના દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમા તેના વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ ગુનો પણ નોંધવામા આવ્યો હતો. આ શખ્સ મધ્યપ્રદેશ પોલીસના હાથમા તો આવ્યો ન હતો. પરંતુ લીલીયાના પીએસઆઇ એમ.ડી.ગોહિલ તથા સ્ટાફના એચ.પી.વેગડા, ગૌતમભાઇ ખુમાણ અને જીતેન્દ્રભાઇ ગંગલને તે લીલીયામા હોવાની બાતમી મળી હતી. જેના આધારે લીલીયા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સને દ્વારકાપુરી પોલીસ સ્ટેશનને હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
વાયરલ વિડીયોના આધારે પોલીસને બાતમી મળી
45 લાખની રોકડ લઇ કથિત કથાકાર ગુજરાતમા નાસી આવ્યો હતો. પરંતુ છેતરપીંડી કરનાર આ શખ્સ સામે મધ્યપ્રદેશમા સોશ્યલ મિડીયામા વિડીયો વાયરલ થયા હતા. લીલીયા પોલીસે આ વાયરલ વિડીયોના આધારે આ શખ્સને ઓળખી કાઢયો હતો.
60થી વધુ વર્ષની મહિલા પાસેથી રૂા. 500 ઉઘરાવ્યા
કથાકાર પ્રભુજી મહારાજ ઉર્ફે અજીત ચૌહાણે પેમ્પલેટ વિતરણ તથા પોસ્ટર લગાવી હરિદ્રારની સ્કીમમા મહિલાઓને જોડી હતી. 60 વર્ષથી વધુ વયની મહિલાઓ પાસેથી રૂપિયા 500ની ફી ઉઘરાવી હતી. જયારે 60 વર્ષથી ઓછી વયની મહિલાઓ પાસેથી રૂપિયા 1000ની ફી વસુલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.