તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારોને કેટલી રાહત?:માછીમારો માટે 105 કરોડના પેકેજની જાહેરાત બાદ જોવા મળ્યા મિશ્ર પ્રતિસાદ, કોઈએ આવકાર્યું, કોઈએ મજાક સમાન ગણાવ્યું

અમરેલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાઉ-તે પ્રભાવિત માછીમારો માટે રાહત પેકેજની જાહેરાત - Divya Bhaskar
તાઉ-તે પ્રભાવિત માછીમારો માટે રાહત પેકેજની જાહેરાત
 • પ્રથમવાર માછીમારોને પણ સહાય મળતા માછીમારોએ રાહત અનુભવી
 • કેટલાક આગેવાનોએ જાહેર કરાયેલી સહાયને અપૂરતી ગણાવી

'તાઉ-તે' વાવાઝોડાના કારણે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં માછીમારોને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો બાદ માછીમારો માટે પણ 105 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. માછીમારો માટે પ્રથમવાર રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું મોટાભાગના આગેવાનો પેકેજને આવકારી રહ્યા છે. તો કેટલાક આગેવાનો અને માછીમારો થયેલા નુકસાનની સામે રાજ્ય સરકારે આપેલી રાહતની અપૂરતી ગણાવી રહ્યા છે.

વાવાઝોડાના કારણે માછીમારી બોટ સહિતના સાધનોને નુકસાન
વાવાઝોડાના કારણે માછીમારી બોટ સહિતના સાધનોને નુકસાન

માછીમારોને કેટલી મદદ મળશે?

 • રાજ્ય સરકાર દ્વારા આજે માછીમારો માટે જે રાહત પેકેજ જાહેર કરવામા આવ્યું છે. તેમાં માછીમારોની બોટ, જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
 • અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
 • નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
 • અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50% અથવા રૂ. 2 લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય અપાશે.
 • આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
 • પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂ.5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
 • આ ઉપરાંત માછીમાર રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે.
 • નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે.
 • દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે.

રાહત પેકેજ અંગે શું કહી રહ્યા છે આગેવાનો?
જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું કે, નુકસાન તો ખૂબ થયું છે. પરંતુ, માછીમારો માટે સરકારે પ્રથમવાર રાહત પેકેજ જાહેર કર્યું છે તે આવકાર્ય છે.ખલાસીઓને બબ્બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે જેનાથી રોજીરોટીનો પ્રશ્ન હલ થશે.

જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી
જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી

જાફરાબાદના માછીમાર આગેવાન સીદુભાઈ સૈયદે કહ્યું કે, ક્યારેય માછીમારોને પેકેજ મળતું નથી. પ્રથમવાર ખેડૂતોની માફક માછીમારો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવામા આવ્યું છે તે સારી વાત છે. આ વખતે માછીમારોની નોંધ લેવામા આવી છે.

પૂર્વ કૃષિમંત્રી મધુ ભુવાની ફાઈલ તસવીર
પૂર્વ કૃષિમંત્રી મધુ ભુવાની ફાઈલ તસવીર

રાજુલા-જાફરાબાદ પંથકના આગેવાન અને પૂર્વ કૃષિમંત્રી મધુ ભુવાએ કહ્યું કે, સરકારે માછીમારોની મજાક કરી છે. એક બોટમાં 30 થી 40 લાખનું નુકસાન છે ત્યારે 35 હજાર રૂપિયામાં શું આવે? હું આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીશ.

અખિલ ભારતીય ફિશરમેન એસોસિએસનના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીભાઈ ગોહેલ
અખિલ ભારતીય ફિશરમેન એસોસિએસનના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીભાઈ ગોહેલ

અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીભાઈ ગોહેલે કહ્યું કે, અત્‍યાર સુઘીમાં રાજયમાં અનેક વાવાઝોડા આવ્‍યા છે તે સમયે માછીમારો દર વખતે નુકશાન સહન કરતા હોવા છતાં ભુતકાળમાં કયારેય કોઇ સરકારએ માછીમારો માટે રાહત પેકેજ જાહેર કર્યુ ન હતુ. જયારે તાઉ-તે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે માછીમારો માટે પ્રથમ વખત જાહેર કરાયેલ રાહત પેકેજ માછીમાર સમાજ માટે ટેકારૂપ સમાન હોવાથી આવકાર દાયક છે.

માછીમાર આગેવાન ભરતભાઈ કામળીયા
માછીમાર આગેવાન ભરતભાઈ કામળીયા

સ્થળાંતરિત માછીમારો માટે સ્પષ્ટતા કરવા માગ
જયારે સૈયદ રાજપરા બંદરના માછીમાર આગેવાન ભરતભાઇ કામળીયાએ રાજય સરકારના રાહત પેકેજમાં અનેક વિસંગતા હોવાથી સ્‍પષ્‍ટતા કરવા માંગણી કરી છે. રાહત પેકેજમાં સ્‍થળાંતરિત માછીમારોને સહાય મળશે તેવો કોઇ સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કરાયેલ નથી. કારણ કે, સૈયદ રાજપરા બંદરમાં જ 300 સ્‍થળાંતરિત માછીમાર પરીવારો રહે છે. કે જે તમામ પરીવારો આજુબાજુના ગામોના વતની છે. આ સ્‍થળાંતરિત માછીમાર પરિવારોને વાવાઝોડાના કારણે ઘરવખરીથી લઇ બોટોનું મોટુ નુકસાન થયુ હોવાથી તેઓ અમારા ગામમાં સહાયના ફોર્મ ભરવા જાય છે ત્‍યારે તેઓને તેમના વતનમાં ફોર્મ ભરવા જવાનું અઘિકારીઓ જણાવે છે. ત્‍યારે આ સ્‍થળાંતરિત માછીમારોના ગામોમાં તો કોઇ નુકશાન થયુ ન હોવાથી તેઓ સહાયથી વંચિત રહી જાય છે. જેથી સ્‍થળાંતરિત માછીમારોને સહાય મળી રહે તે બાબતે રાજય સરકારે સ્‍પષ્‍ટ નિર્દેશ કરવા જોઇએ તેવી માંગ છે.

પૂર્વ સંસદીય સચિવે તાત્કાલિક સહાય ચૂકવવા માગ કરી હતી
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ અમરેલી જિલ્લાના માછીમારોને થયેલા નુકસાન બદલ તાત્કાલિક સહાયની ચૂકવણી કરવા માગ કરી હતી. માછીમારો પોતાની બોટનું સમારકામ કરાવી શકે તે માટે બેંકમાંથી લોન મળી રહે તે માટે મદદરૂપ થવા પણ માગ કરવામા આવી હતી.