કોળી સમાજ સંમેલન:જાફરાબાદમાં 14મી નવેમ્બરે યોજાનારા કોળી સમાજ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરણભાઈ બારૈયા દ્વારા કોળી સમાજના સંમેલનનું આયોજન
  • સંમેલનમાં સાધુ-સંતો, રાજકીય નેતાઓ, કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સંમેલનમાં આવતા હોવાને કારણે રાજકારણ ગરમાયું

વર્ષ 2022ની વિધાન સભા ચૂંટણીને હજુ 1 વર્ષ કરતા વધુ સમય બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે. જાફરાબાદ શહેરમાં તારીખ 14 નવેમ્બરને રવિવારની બપોરે 1:30 વાગે જીએસસેલ ગ્રાઉન્ડ ખાતે અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ કરણ બારૈયા દ્વારા કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરાયું છે. કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થાય તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં સાધુ-સંતો, રાજકીય નેતાઓ, કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત સંમેલનમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી આર.સી.મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ભાવનગર સાંસદ ભારતી શિયાળ, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

નવા વર્ષની શુભેચ્છા મુલાકાત, સમાજ-પરિવારના સ્નેહમિલન ઉપરાંત જાફરાબાદના આંગણે કોળી સમાજના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન સાથે સમાજના નબળા પરિવારોને આર્થિક-માનસિક-શૈક્ષણિક સહયોગ મળી રહે તે માટે સંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતા હોવાને કારણે રાજકારણ ગરમાયું છે. આ ઉપરાંત રાજકીય રીતે શક્તિ પ્રદર્શન કરવાનું હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત 2022 પહેલા આ પહેલા સંમેલનથી શરૂઆત થઈ રહી હોવાથી આવતા દિવસોમાં રાજકીય ભૂકંપ સર્જાઈ શકે તેવા સંકેતો કાર્યક્રમને જોતાં લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...