અકસ્માતમાં સિંહબાળનું મોત:જૂનાગઢ-અમરેલી પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત, ઘટના બાદ બે કલાક ટ્રેન રોકાઇ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની શાન ગણાતા સાવજોની સંખ્યા અમરેલીમાં સૌથી વધુ વધી રહી છે. તેવા સમયે હવે ટ્રેનના રેલવે પાટા સિંહો માટે કાળમુખા સાબિત થઈ રહ્યા છે. અમરેલીમાં વધુ એક સિંહબાળનું ગઈ રાતે ટ્રેન અકસ્માતમાં મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. અમરેલી જિલ્લામા મોડી રાતે ચલાલા ગાવડકા વચ્ચે રેલવે ટ્રેક ઉપર જૂનાગઢથી અમરેલી તરફ પેસેન્જર ટ્રેન આવી રહી હતી. ત્યારે 4 જેટલા સિંહોનું ટોળું ટ્રેક ઉપર આંટાફેરા કરતું હતું. ટ્રેન પુરપાટ સ્પીડે આવી રહી હતી પરંતુ આ સિંહબાળ ટ્રેન નજીક આવી જવાના કારણે તેમને ટક્કર વાગી જવાના કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા લીલીયા રેન્જના અધિકારી રેન્જ સ્ટાફ દોડી ગયો હતો. ત્યારબાદ ઘટના સ્થળે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.જયન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડ્યા હતા. જોકે, સિંહબાળના મોતના કારણે વનવિભાગએ આ ઘટના દુઃખદ ગણાવી હતી. પ્રથમ મૃતદેહનો કબજો મેળવી લીધા બાદ ટ્રેન પાઇલોટ સહિત રેલવેના કર્મચારીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટના બાદ 2 કલાક પેસેન્જર ટ્રેન ઉભી રહી
ઘટના બાદ રેલવે વિભાગ દ્વારા અહીં 2 કલાક જેટલો સમય સુધી ટ્રેન ઉભી રહી હતી અને વનવિભાગ દ્વારા ટ્રેઇન ચાલકની પૂછ પરછ કરવામાં આવી હતી. ટ્રેન કેટલી સ્પીડમાં આવતી હતી આ તમામ વિગતો સાથે વનવિભાગ દ્વારા ટ્રેઇન ચાલકના નિવેદન લેવાયા હતા રેલવે ટ્રેક આસપાસ વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

સિંહના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી
સિંહબાળને મોત મામલે અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું આ ઘટના ખૂબ દુઃખદ બની છે સાવજોના રેલવે ટ્રેકમાં મોતની ઘટના આ પહેલી નથી ભૂતકાળમાં અનેક બનાવ બન્યા છે. રાજ્ય સરકાર આ ઘટનાને હવે ગંભીરતાથી લે તો સારું બાકી અનેક સિંહો આવી રીતે ટ્રેઇન હડફેટે મોત થશે સરકારે સિંહોની અવર જવર વાળા વિસ્તારમાં ફેનસિંગ કરવાની જરૂરિયાત છે. ટુક સમયમાં હું અને પર્યાવરણ પ્રેમીઓ બધા ભેગા મળી વનમંત્રીને રૂબરૂ રજુઆત કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...