ખેતીનો ખર્ચ વધ્યો:બિયારણ 10 ટકા મોંઘુ થયું; 475 ગ્રામ કપાસના બિયારણના 767થી વધી 810 થયા

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળીમાં આંશિક ભાવ વધારો, શાકભાજીના બિયારણમાં પણ 10 થી 20 ટકાનો વધારો

ખેડૂતોને ખેતીનો ખર્ચ વધી રહ્યો છે. ખેત ઓજારોથી લઇ ખાતરના ભાવમા વધારો છે. ઉંચી મજુરી ચુકવવા છતા મજુરો મળતા નથી. તેની વચ્ચે હવે બિયારણના ભાવ પણ વધ્યાં છે. જુદાજુદા બિયારણના ભાવમા 5 થી લઇ 20 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

અમરેલી પંથકમાં ખેડૂતો ખરીફ પાક તરીકે સૌથી વધુ પસંદગી કપાસ પર ઢોળી રહ્યાં છે. અહી જે ખેડૂતો મગફળીનુ વાવેતર કરે છે તેમા ઘણા ખરા મગફળીનુ બિયારણ જાતે જ તૈયાર કરી લે છે. પરંતુ બીટી કપાસનુ બિયારણ ખેડૂતોને માર્કેટમાથી જ ખરીદવુ પડે છે. સરકાર દ્વારા 475 ગ્રામના કપાસના બિયારણનો ભાવ ગત વર્ષે રૂપિયા 467 નક્કી કરાયો હતો. પરંતુ ઓણસાલ કપાસનુ આ બિયારણ ખેડૂતોને રૂપિયા 810મા આપવામા આવી રહ્યું છે. આ વિસ્તારમા કપાસની ખેતી વ્યાપક પ્રમાણમા થતી હોય ઓણસાલ અહીના ખેડૂતેાને બિયારણના વધારાના ખર્ચનો બોજો ઉઠાવવો પડશે.

આવી જ રીતે મગફળીના ભાવમા પણ વધારો થયો છે. બીજ નિગમનુ 30 કિલો મગફળીનુ બીયારણ રૂપિયા 3260મા મળે છે જેમા રૂપિયા 1200ની રાહત અપાતી હોય આ બિયારણ રૂપિયા 2060મા પડે છે. તેનુ બિયારણ ગત વર્ષે પણ આ જ ભાવનુ હતુ. જો કે અન્ય કંપનીના મગફળીના બિયારણના દાણા મોંઘા થયા છે અને પ્રતિ 20 કિલોના રૂપિયા 2400થી લઇને 2700નો ભાવ ચાલી રહ્યો છે.

ખેડૂતોને વિવિધ પ્રકારના શાકભાજી તથા ઘાસચારો અને અન્ય ખેત જણસોના બિયારણમા પણ ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હાલમા અમરેલીની બજારમા તો ખેડૂતો સૌથી વધુ ખરીદી કપાસના બિયારણની કરી રહ્યાં છે. હજુ વરસાદની સિઝન શરૂ થઇ નથી. જેવો વરસાદ શરૂ થશે તે સાથે જ બિયારણની ખરીદી વધુ ઝડપી બનશે.

અમરેલી પંથકમા ઓરવણાથી વાવેતરનો આરંભ થઇ ચુકયો છે. સિંચાઇની સગવડતાવાળા ખેડૂતોએ ઓરવણુ કરી મહદઅંશે કપાસનુ વાવેતર શરૂ કર્યુ છે. વહેલો વરસાદ થશે તો ઓણસાલ જિલ્લામા મગફળીનુ વાવેતર વધવાની શકયતા છે.

ગત વર્ષ કરતા કપાસની ખરીદી વધી: જયેશભાઇ
અમરેલીમા યાર્ડ રોડ પર એગ્રો સેન્ટર ચલાવતા જયેશભાઇ સુરાણી કહે છે ગત વર્ષના આ જ સમયગાળા કરતા ઓણસાલ આ સમયગાળામા કપાસનુ બિયારણ 10 ટકા વધુ વેચાઇ રહ્યું છે. બાકીના વેચાણનો આધાર વરસાદ કયારે પડે છે તેના પર રહે છે.

50 ટકા ખેડૂતોએ બિયારણ ખરીદી લીધું: અમીતભાઇ
અહીના એગ્રો સેન્ટરના માલિક અમીતભાઇ દુધાત કહે છે હાલમા 50 ટકાથી વધુ ખેડૂતોએ બિયારણ ખરીદી લીધુ છે. બાકીની ખરીદી વરસાદ પડતા પુરી થશે. હાલમા કપાસ વધારે વેચાય છે.

શાકભાજીના બીનો ભાવ 50 થી લઇ 600 સુધી
આ વિસ્તારમા ચોમાસા દરમિયાન શાકભાજીનુ પણ વ્યાપક વાવેતર થાય છે. મરચા, રીંગણ, દુધી, ગલકા, તુરીયા વિગેરે બિયારણ 50 ગ્રામથી લઇ 250 ગ્રામના પેકીંગમા મળે છે. જેનો ભાવ રૂપિયા 50 થી લઇ 650 સુધી ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...