ગેરકાયદેસર:ખાંભામાં લાયસન્સ વિના મંગાવેલું ખાતર સીઝ

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાંથી ખાતર ઉતરતું હતું ત્યારે જ ખેતીવાડી વિભાગની ટુકડી ત્રાટકી
  • પરવાના વગર જ તળાજાની પેઢીમાંથી મંગાવાયો હતો જથ્થો

ખેતીવાડીની સિઝન માથે છે અને ખેડૂતો ખાતર-બિયારણની ખરીદી કરી રહ્યા છે ત્યારે જીલ્લામાં ગેરકાયદે ખાતર-બિયારણ વેચાવાની ફરીયાદ પણ ઉઠી છે જેની વચ્ચે ખાંભામાં એક વેપારી દ્વારા કોઇ જ પ્રકારના લાયસન્સ વગર તળાજા પંથકની પેઢીમાંથી ગેરકાયદે ખાતર મંગાવવામાં આવ્યુ હોય ખેતિવાડી ખાતાની ટુકડીએ અહિં ત્રાટકી ખાતરનો આ જથ્થો સિઝ કર્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના ગેરકાયદે વેચાણ મામલે આ રેડ ખાંભામાં પાડવામાં આવી હતી. મદદનીશ ખેતી નિયામક, ખાંભાના ખેતીવાડી અધિકારી, અમરેલીના ખેતીવાડી અધિકારી અને બે ખેતી મદદનીશ એમ પાંચ લોકોની ટુકડીએ આજે બાતમીના આધારે ખાંભાના બસસ્ટેન્ડની બાજુમાં કડીયા-કુંભારની વાડીના શોપીંગ સેન્ટરમાં આ કાર્યવાહી કરી હતી. અહિં એક વેપારીની દુકાનમાં ઓર્ગેનિક મેન્યુઅરનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. આ વેપારી પાસે રાસાયણીક ખાતરના વેચાણનું કોઇ લાયસન્સ ન હતું. છતાં ગેરકાયદે વેચાણ કરવા આ જથ્થો લવાયો હતો. 

રાસાયણીક ખાતર નિયંત્રણ હુકમ 1985 અંતર્ગત આ માટે લાયસન્સ લેવુ જરૂરી
આ ટુકડીએ અહિંથી જે ટ્રકમાં ખાતર લવાયો હતો તે ટ્રક અને પીક-અપ વાન ઝડપી લઇ ખાંભા પોલીસના હવાલે કર્યા હતાં. અહિં હાજર ત્રણ વ્યક્તિને આ અંગે પુછપરછ કરતા તળાજા તાલુકામાં મહાકાળી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામના રાસાયણીક ખાતરના લાયસન્સ રાજેન્દ્ર પરમાર પાસેથી જથ્થો લવાયાનું ખુલ્યુ હતું. રાસાયણીક ખાતર નિયંત્રણ હુકમ 1985 અંતર્ગત આ માટે લાયસન્સ લેવુ જરૂરી છે જેના પગલે આ ત્રણેય શખ્સો ઉપરાંત તળાજાના કેરાળા ગામના રાજેન્દ્ર પરમાર વિરૂધ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહિં તંત્ર દ્વારા ખાતરના જરૂરી નમુનાઓ પણ લેવાયા છે. આમ પણ દર વર્ષે અમરેલી પંથકમાં ખેડૂતો ખાતર અને બિયારણમાં છેતરાય છે અને ભાવમાં પણ લુંટવામાં આવે છે ત્યારે તંત્રએ આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખવી જોઇએ તેવી ખેડૂતોની લાગણી છે. 

ખેડૂતો પાકા બિલનો આગ્રહ રાખે : કલેક્ટર
જીલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યુ હતું કે ખેડૂતો આવુ ગેરકાયદેસર વેંચાતુ ખાતર ન ખરીદે અને જ્યારે પણ ખાતર ખરીદે ત્યારે પાકા બિલનો આગ્રહ અવશ્યપણે રાખે.

ખાતરના નમુના પ્રયોગશાળામાં મોકલાયા
અહિંથી ઝડપાયેલા ખાતરના જરૂરી નમુના પણ તંત્રએ લીધા છે. તેની ગુણવત્તાની ચકાસણી કરાશે અને આ ચકાસણી માટે ખાતરના નમુના પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. 

50 કિલોની 410 થેલી સીઝ કરાઇ
ખેતીવાડી ખાતા દ્વારા ખાંભાની આ દુકાનમાંથી રાસાયણીક ખાતરની 410 થેલીઓ સીઝ કરવામાં આવી હતી. 50 કિલો વજનની આ થેલીઓ ટ્રકમાંથી ઉતારી દુકાનમાં રખાઇ હતી. અગાઉ કેટલો જથ્થો વેંચાઇ ગયો તે પણ તપાસનો વિષય છે. 

દર વર્ષે ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેંચાય છે
અમરેલી પંથકમાં ખેતીની સિઝન વખતે દર વર્ષે લેભાગુ તત્વો ખેડૂતોને લુંટવા માટે નિકળી પડે છે. આ વિસ્તારમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ બિયારણ પણ વેંચાય છે અને બનાવટી ખાતરનું પણ ધુમ વેચાણ થાય છે. આવનારા બે માસ સુધી તંત્રએ સચેત રહેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...