અમરેલી પંથકમાં આજે તાપમાનનો પારો ફરી 41.5 ડિગ્રી સુધી આંબી જતા આકાશમાથી જાણે અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. અહી થોડા દિવસ પહેલા સાવરકુંડલા, રાજુલા, ખાંભા વિગેરે વિસ્તારમા કમોસમી વરસાદ પણ પડી ગયો હતો. અમરેલીમાં આજે મહતમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25.3 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 80 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.6 કિમીની નોંધાઇ હતી.
બે દિવસ પહેલા શહેરમા આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ અને પારો એકાદ ડિગ્રી ઘટયો હતો જેને પગલે લોકોએ ગરમીમાથી આંશિક રાહત જરૂર અનુભવી હતી. પરંતુ આજે ફરી પારો ઉંચે ચડતા આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. શહેરમાં આજે દિવસભર આકાશમા વાદળો જરૂર છવાયા હતા. પરંતુ આખો દિવસ ઉકળાટ વચ્ચે આકરો તાપ પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી પંથકમા એપ્રિલ માસ દરમિયાન પારો સતત 40 ડિગ્રીને પાર જ રહ્યો હતો અને કાળઝાળ ગરમી પડી હતી. હજુ પણ ગરમીનો પારો ઘટવાનુ નામ લેતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.