સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ દેશભરમા પ્રખ્યાત છે. કારણ કે અહી બનેલા વજનકાંટા દેશભરમા સપ્લાય કરવામા આવે છે. પરંતુ પાછલા કેટલાક સમયથી આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડી રહ્યો છે. સરકારનો ટેકસ અને ચીનથી ડમ્પ થતા માલના કારણે અહીના કારીગરો બેકાર બની રહ્યાં છે. જો સરકાર આ ઉદ્યોગની વહારે નહી આવે તો મોટી સંખ્યામા કારીગરોને બેરોજગાર થતા વાર નહી લાગે.
એક સમયે સાવરકુંડલાના કાંટા ઉદ્યોગમા 25 હજાર જેટલા કારીગરો કામ કરી રહ્યાં હતા અને આ કારીગરોના ઘરનુ ગુજરાન તેના પર ચાલતુ હતુ. સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાથી કારીગરો અહી કામ કરવા આવતા હતા. પરંતુ હવે આટલી સંખ્યામા કારીગરોને રોજીરોટી મળતી નથી. કારણ કે અહીના ઉદ્યોગને મંદીનુ ગ્રહણ લાગી ગયુ છે.
સરકાર દ્વારા કાંટા ઉદ્યોગનુ રો-મટીરીયલ ગણાતા લોખંડ પર 18 ટકા જીએસટી વસુલવામા આવી રહ્યો છે. જેના કારણે કાંટાની પડતર ઉંચી ગઇ છે. જયારે બીજી તરફ ચાઇનાથી આવતા ઇલેકટ્રીક કાંટાના મટીરીયલનો ભાવ ઓછો છે અને કોઇપણ ડયુટી વગર જ ચાઇનીઝ માલ દેશમા ઘુસી રહ્યો છે. ચાઇનાથી આવતા કાચા માલને રોકી શકાતો ન હોય અહીના કારખાનેદારોને તેનો ફટકો પડી રહ્યો છે.
એક તરફ સરકાર ઉદ્યોગોને ટકાવવા અને મદદની વાત કરે છે પરંતુ સાવરકુંડલાના પ્રખ્યાત કાંટા ઉદ્યોગને બચાવવા માટે કોઇ જ પગલા લેવાઇ રહ્યાં નથી. અહી સરકાર ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવા નક્કર પગલા ભરાય તેવી કાંટા ઉદ્યોગના કારખાનેદારોની માંગ છે.
800નું વેતન મેળવતો મજુર રોજ બનાવે છે 30 કાંટા
અહી કારખાનામા કામ કરતા મજુરોને પ્રતિ દિન 700થી 800નુ વેતન મળે છે. અને આ કારીગર દ્વારા પ્રતિ દિન 30 જેટલા કાંટા બનાવવામા આવે છે.
શહેરમાં કાંટાના 300થી વધુ કારખાના
સાવરકુંડલા શહેરમાં તમામ પ્રકારના વજનકાંટા બનાવતા 300થી વધુ કારખાના છે. અહી 25 હજાર લોકોને રોજગારી મળતી હતી પરંતુ હવે કારીગરોની સંખ્યા ઘટી રહી છે અને ઘણા કારખાના રગડધગડ ચાલી રહ્યાં છે.
કારખાનેદારોને વર્ષોથી જીઆઇડીસીની લોલીપોપ
સાવરકુંડલામા કાંટા ઉદ્યોગના વિકાસને પગલે અહી એક વિશાળ જીઆઇડીસીની જરૂરીયાત છે અને સરકારમા વારંવાર રજુઆતો થઇ રહી છે પરંતુ કારખાનેદારોને જાણે વર્ષોથી જીઆઇડીસીની માત્ર લોલીપોપ અપાઇ રહી છે. જેને પગલે હવે આ ઉદ્યોગ મરણ પથારી પર આવી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.