અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના પ્રાણ પ્રશ્ન એવા બાયપાસ રોડનું આજે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,સાંસદ નારણ કાછડીયા વરદહસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું.
ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા સાવરકુંડલા બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવેલ પરંતુ ભુવા રોડ થી જેસર રોડ વચ્ચે આવેલ ફાટક ઉપર રોડ ઓવરબ્રીજની મંજૂરી પ્રક્રિયામાં થઇ રહેલ વિલંબને લીધે આ બાયપાસ કાર્યરત થઇ શકેલ ન હતો. જેના લીધે સાવરકુંડલા શહેરની મધ્ય માંથી પસાર થતા ભારે વાહનોને લીધે થતી ટ્રાફિક સમસ્યા થી શહેરીજનો અને વેપારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી જે બાબતે અમરેલીના સાંસદ નારણ કાછડીયા તરફ થી રાજ્ય સરકાર અને રેલ્વે વિભાગમાં કરવામાં આવેલ રજુઆતો અને સતત પ્રયાસોના કારણે રાજ્ય સરકાર તરફથી કન્સ્ટ્રક્શન ઓફ મિસિંગ લિંક ઓફ સાવરકુંડલા બાયપાસ રોડના કામે રૂ. 7,05,60,000 જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
આ તકે સાંસદ નારણ કાછડીયા એ જણાવેલ છે કે, રાજ્ય સરકાર તરફ થી મંજુર કરવામાં આવેલ નાણાકીય જોગવાઈ પૈકી રૂ. 3,29,70,973 ના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તરફ થી જંગલ કટિંગ, માટીકામ, જી.એસ.બી., મેટલકામ, હાર્ડ મુરમ, ડી.બી.એમ અને બી.સી. ડામર કામ જેવી કામગીરી કરવામાં આવશે તથા રેલ્વે વિભાગ તરફથી રૂ. 3,54,99,879ના ખર્ચે ફાટક શીફ્ટીંગનું કામ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થયે લોકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.