• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savar And Kundla Youths Throw Burning Ingoria At Each Other To Celebrate Diwali In A Unique Way, A Tradition That Has Been Going On For 70 Years

સાવરકુંડલામાં જામ્યું ઈંગોરિયા યુદ્ધ:સાવર અને કુંડલાના યુવાનોએ સળગતા ઈંગોરિયા એક બીજા પર ફેંકી દિવાળીની અનોખી ઉજવણી કરી, 70 વર્ષથી ચાલતી પરંપરા યથાવત

અમરેલી23 દિવસ પહેલા
  • નાવલી નદીના કિનારે ખેલાયું નાવલી યુદ્ધ, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
  • ગયા વર્ષે કોરોના કાળના કારણે આ યુદ્ધ બંધ રાખવામાં આવ્યું હતું

દેશ અને રાજયમાં દિવાળીની રાત્રે લોકો ફટાકડા ફોડી અને દિવડાઓ કરી દિવાળીની ઉજવણી કરે છે. જોકે, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં દિવાળીની ઉજવણી 70 વર્ષથી અનોખી રીતે કરવામાં આવે છે. જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 70 વર્ષથી યુવાનો દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ કરે છે.

સાવરકુંડમાં વર્ષોથી નાવલી નદી છે. અહીં નદી કાંઠે વર્ષો પહેલા પાણી વહેતું હતું અને બંને સાઈડમાં યુવાનો સામ સામે સળગતા ઈંગોરિયા ફેંકી અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળે છે. ત્યારે આ પરંપરા આજે પણ જીવંત રહી છે. દિવાળીની રાત્રે યુવાનોએ નદી કાંઠે સળગતા ઈંગોરિયા એકબીજા પર ફેંકીને દિવાળીની ઉજવણી કરી હતી. ગયા વર્ષે કોરોના કાળના કારણે આ યુદ્ધ બંધ રાખવામાં આવ્યું હતું.

70 વર્ષ કરતાં વધુ જૂની પરંપરા
અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે 70 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવે છે. ઈંગોરિયા યુદ્ધ ખેલવા માટે યુવાનો દિવાળીની રાતની રાહ જોતા હોય છે. ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે.

સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધ ચોકમાં યુદ્ધ
ગયા વર્ષે કોરોનાને કારણે ઈંગોરિયાનું યુદ્ધ ખેલાયું નહોતું. જોકે આ વર્ષે યુવાનો રમવા માટે ઉત્સાહ સાથે થનગની રહ્યા હતા. આ વર્ષે ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલા શહેરના દેવળા ગેટ નજીક રિદ્ધિસિદ્ધિ ચોકમાં ખેલાયુ હતું. આ ઈંગોરિયા યુદ્ધમાં નાનાથી લઈ મોટા લોકો નિખાલસતાથી એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી મજા માણી હતી. આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી. લોકો એકબીજાને પ્રેમભાવ અને લાગણીપૂર્વક ઈંગોરિયા ફેંકી રમતની મજા માણે છે.

ઈંગોરિયા યુદ્ધ જોવા લોકો ઉમટ્યાં
સાવરકુંડલા તાલુકાના લોકો ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત વિસ્તારમાંથી લોકો પોતાના વતનમાં આ યુદ્ધ જોવા માટે આવ્યાં હતા. ગ્રામીણ વિસ્તારના લોકો પણ મધરાતે સાવરકુંડલા શહેરમાં આ નજારો અને રમત જોવા ઉમટી પડ્યા હતા. આ ઈંગોરીયા સળગાવી એક બીજા ઉપર ફેંકી રીતસર યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાય છે અને રોશનીથી જગમતો માહોલ સર્જાય છે. આ રમત સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

કઈ રીતે બને છે ઈંગોરિયા?
ઈંગોરિયા શું છે ? એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. એને દિવાળીની રાત્રિએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

ઈંગોરિયાનું સ્થાન કોકડાએ લીધું
​​​​​​​ઈંગોરિયાનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાની આ વર્ષે અછત ઊભી થઈ છે. કોલસો, ગંધક સહિતની સામગ્રી ભરીને ઈંગોરિયાને બનાવવામાં આવે છે, જેની તૈયારી હાલ ચાલી રહી છે. આ વર્ષે ઈંગોરિયાની અછતના કારણે એ મેળવવા મુશ્કેલ બન્યા છે, જેથી ઈંગોરિયારસિયાઓ દ્વારા આ વખતે દોરાની કોકડી લેવામાં આવી છે તેમજ કોલસો, ગંધર સહિત સામગ્રી ભરી ઈંગોરિયાને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અજાણ્યા લોકો માટે આ યુદ્ધ જોખમી
​​​​​​​આ રમત જે લોકો વર્ષોથી રમે છે તે લોકો જ વધારે ભાગે રમે છે, કારણ કે તેમને ઈંગોરિયા ફોડવાની અને ફેંકવાની ફાવટ આવી ગઈ હોઈ છે. જેમને ખબર ના હોય તેવા નવા લોકો આ ઈંગોરિયા ફેંકે તો દાઝી જવાની તેમજ તેઓ ઈજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે. અહીં વર્ષોથી આ યુદ્ધ ખેલાય છે, જેથી અહીંના સ્થાનિકો ખૂબ અનુભવી થઈ ગયા છે, જેને કારણે સહેલાઈથી તેઓ આ રમત રમી શકે છે. આ યુદ્ધ અજાણ્યા લોકો માટે જોખમી પણ છે.

અન્ય સમાચારો પણ છે...