કામગીરી:જળસિંચન અભિયાનથી સણોસરા ગામ બન્યું નંદનવન

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે પાણીના તળ 90 ફુટ સુધી ઉંડા હતા હવે 25 થી 30 ફુટે પાણી : લોકભાગીદારી અને સરકારની સહાયથી થઇ જળસિંચની કામગીરી

રાજયમા જળ સિંચનના હેતુથી વર્ષ 2018થી સુજલામ સુફલામ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત સરકારની સહાય અને લોકભાગીદારીથી જળસિંચનના કાર્યો થઈ રહ્યા છે. આ જળસિંચનના કાર્યોનું આદર્શ ઉદાહરણ અમરેલી જિલ્લાના સણોસરા ગામે પુરૂ પાડયુ છે.

સણોસરા ગામમાં વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલા જળસિંચન અભિયાનમાં સરકારની સહાય અને લોકભાગીદારીથી થયેલા આ કાર્યમાં સફળતા મળી છે. સણોસરા ગામમાં જળસિંચનનું કાર્ય થયું તે પહેલાં 90 ફૂટ સુધી પાણીના તળ ઉંડા હતા જ્યારે હવે તે 25-30 ફૂટ સુધીમાં પાણી મળી રહ્યું છે. જળસિંચનના કાર્યોમાં વિવિધ તબક્કાની યોજાનાઓમાં સરકાર તરફથી સણોસરા ગામને આશરે રૂા.16 લાખની સહાય મળી છે. અને સણોસરાના ગ્રામજનોએ રૂા.50 લાખનો ફાળો એકઠો કર્યો છે. પાણી માટે સતત કાર્યશીલ એવા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા સણોસરા ગામે મશીનરી સહિતની સહાય આપવામાં આવી હતી.

સણોસરાના ગ્રામજનોએ ગામની ભાગોળે આવેલા 85 વિઘાના આશરે 34 એકર તળાવનું જળસિંચનનું કાર્ય કરી અને તેને ઊંડું કર્યુ. તળાવમાંથી નીકળતી માટી ગામના અને આસપાસના ખેડૂતોને આપવામાં આવી જ્યારે કેટલીક માટીના પાણી બાંધી અને સાથે સાથે ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું. આ તળાવના કારણે આજે સણોસરામાં કૃષિ ક્રાંતિ આવી છે અને ગામ હરિયાળું બન્યું છે. ગ્રામજનોના રૂા.200-200ના અનુદાનથી લઈને સરકારી સહાય સુધી સણોસરાએ પાણીને પારસ બનાવ્યું છે. જળક્રાંતિ વિશે સરપંચ દેવાણીએ જણાવ્યુ હતુ કે અમને જળસિંચનના કામો માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 16 લાખની સહાય મળી છે. આ ઉપરાંત આ વર્ષે વોટરશેડના કામ શરૂ થયા છે જે બે-ત્રણ તબક્કામાં આગળ ધપવાના છે.

અગાઉ બારમાસી પાક લઇ શકાતો ન હતો
જળસિંચનના કારણે આવેલી કૃષિ ક્ષેત્રે આવેલી સમૃદ્ધિ વિશે વાત કરતા ગામના ખેડૂત રમણિકભાઈ ધોરાજીયાએ જણાવ્યુ કે અગાઉ અમારા ગામમાં બારમાસી પાક લઈ શકાતો નહોતો તેના બદલે હવે 30 ફૂટે પાણી આવી જતા ખેતીને ફાયદો થયો છે.> રમણિકભાઇ ધોરાજીયા, ખેડૂત

300 વિઘામાં ઘઉંનંુ ઉત્પાદન થાય છે
અહીના ખેડૂત કાંતિલાલભાઈ લાખાણીએ જણાવ્યુ હતુ કે અગાઉ સણોસરામાં 50 વિઘા જેટલો ઘઉંનો પાક લઈ શકાતો નહોતો. હવે આશરે 300 વિઘામાં ઘઉંનુ ઉત્પાદન થાય છે. આ સાથે જ ઉનાળું પાક જેવાં કે તલ, મગ અને ચોમાસામાં મગફળી કપાસ અને સોયાબીનનું પણ ઉત્પાદન લઈ શકીએ છીએ.> કાંતિલાલભાઇ લાખાણી, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...