વડીયામા ગૌસેવાની સાથે લોકસેવાની પ્રવૃતિઓ કરતી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા 14મીએ સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યું છે. ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ગૌસેવા, એમ્બયુલન્સ, અંતિમ રથની સેવા સાથે છેલ્લા બે વર્ષથી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કપરા કાળમાં જે દીકરીઓના માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવી 11 દીકરીઓને માતાપિતાનુ હૂંફ આપી તેમના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.
આગામી તા. 14/03/2023ને મંગળવારના રોજ સર્વ જ્ઞાતિની 11 દીકરીઓના સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ લગ્નમાં આ દીકરીઓને 100થી પણ વધુ ચીજ વસ્તુઓ કરીયાવર તરીકે આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રવીણ તોગડીયા, પરબધામના કરસનદાસ બાપુ, ગોરખનાથ આશ્રમ ભવનાથના શેરનાથ બાપુ સહિત અનેક સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ કાર્યક્રમમાં હાજરી આપી પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપત્તિઓને આશીર્વાદ આપશે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગામ સમસ્ત આગેવાનો અને કાર્યકરોની એક મિટિંગનુ આયોજન ગોવર્ધન ગૌશાળામાં કરવામાં આવ્યું હતુ. જેમા આગેવાનો અને કાર્યકર્તાઓને કામની ફાળવણી કરી આ કાર્યક્રમને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય ભગીરથ કાર્યમાં દાન આપવા માટે ગોવર્ધન ગૌશાળાના મનીષભાઈ ઢોલરીયાનો સંપર્ક સાધવા જણાવાયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.