માર્ગ મકાન વિભાગે હદ કરી:સાજણ ટીંબાને બદલે સાજણ દિવા અને અકાળાને બદલે ચીકાળાનું દિશા સુચક બોર્ડ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામોના નામ પણ બદલી નાખ્યા

સાવરકુંડલામા હજુ થોડા દિવસ પહેલા જ નવા બાયપાસના પુર્ણ થયેલા કામમા દિશા સુચક બોર્ડમા ભળતા સળતા નામનો ભગો બહાર આવ્યો હતો. ત્યાં હવે લીલીયા પંથકમા પણ તંત્રની આવી જ એક ગંભીર ભુલ સામે આવી છે. જયાં ચાર રસ્તા પર જુદાજુદા છ ગામો દર્શાવતુ દિશા સુચક બોર્ડ મુકવામા આવ્યું છે. પરંતુ ગામના નામ જ બદલી નખાયા છે.

લીલીયા તાલુકાનુ ગામ સાજણટીંબા છે પરંતુ જે તંત્ર કરોડોનો ખર્ચ કરી વહિવટ કરી રહ્યું છે તેણે ગામનુ નામ બદલી સાજણદિવા લખી નાખ્યું છે. આવી જ રીતે લાઠી તાલુકાનુ ગામ અકાળા છે પરંતુ અકાળા ગામ દર્શાવતા બોર્ડમા તેનુ નામ ચીકાળા લખી નખાયુ છે. જેના કારણે અજાણ્યા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાઇ રહ્યાં છે. સ્થાનિક જાણકાર લોકો તો તંત્રની ભુલ સમજી જાય છે પરંતુ બહારથી વાહનમા અહી આવતા લોકો ગેરમાર્ગે દોરાઇ જાય છે.

ગામોનું અંતર પણ દર્શાવાયું નહી
સામાન્ય રીતે આ પ્રકારના દિશા સુચક બોર્ડમા કયા ગામ કેટલા કિલોમીટરના અંતરે આવેલા છે તેની જાણકારી આપવામા આવતી હોય છે. પરંતુ અહી તો ગામોના નામ પણ ખોટા લખ્યા છે અને અંતર પણ દર્શાવ્યું નથી.