ડિમોલીશન:અમરેલીના ચલાલામાં સરકારી જમીન પર ખડકી દેવાયેલા ઝૂંપડાઓ દૂર કરાયા,દબાણકર્તાઓમાં ફફડાટ

અમરેલીએક મહિનો પહેલા
  • ડિમોલીશન કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

અમરેલીના ચલાલામાં સરકારી જમીન પર થયેલા દબાણો પર આજે નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું. પાલિકા દ્વારા ગેરકાયદે દબાણોનું ડિમોલીશન કરવાની શરૂઆત કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

ચલાલાની પોસ્ટ ઓફિસ નજીક સાવરકુંડલા રોડ પર સરકારી જમીન પર ઝૂંપડાઓ બનાવી લોકો દ્વારા વસવાટ શરૂ કરાયો હતો. આ લોકોને અહીંની જગ્યા ખાલી કરવા માટે અનેકવાર સૂચના આપી હોવા છતા ખાલી કરી ન હતી. જેથી ચલાલા પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કામગીરી હાથ ધરી હતી. ઝૂંપડા આસપાસ ઉભા કરાયેલા દબાણો પણ પાલિકા દ્વારા દૂર કરાયા હતા.

ડિમોલીશન કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હોવાનો કારણે કામગીરી શાંતિપૂર્ણ રહી હતી. ચલાલા નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા કાર્યવાહી શરૂ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

પોતાની માલિકીના પ્લોટ છતાં પાલિકાની જમીનમાં દબાણ
અહીના મુકેશ નામના શખ્સ પાસે પોતાની માલિકીના પ્લોટ પણ આવેલા છે છતા તે પાલિકાની જમીન પર 20 વર્ષથી દબાણ કરીને બેઠો હતો. આજે તેનો તમામ સામાન તેના પ્લોટમા ઠાલવી દેવાયો હતો.

પાલિકા દ્વારા મારૂતિ સોસાયટીમાં રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો
ચલાલામા અમરેલી રોડ પર આવેલી મારૂતિ સોસાયટીમા 20 ફુટના રોડ પૈકી 10 ફુટનો રોડ અહીના એક રહીશે દબાવી દીધો હતો. જેને આજે પાલિકા દ્વારા ખુલ્લો કરાવવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...