અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ:સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, શેત્રુંજી નદીમાં પૂર આવ્યું; 8મી જૂનથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અમરેલીએક મહિનો પહેલા
  • વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

સાવરકુંડલા તાલુકામાં કરા સાથે વરસાદ
સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ આકરી ગરમી પડી રહી છે. એની વચ્ચે આજે સાવરકુંડલાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.

લાઠી અને દામનગરમાં ધોધમાર વરસાદ
અમરેલીના સાવરકુંડલા બાદ લાઠી અને દામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાઠી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અષાઢી મહિના જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો.

ચોમાસાના પ્રારંભ પહેલા જ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ અને લાઠી તાલુકામાં પોણા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસાના વિધિવત પ્રારંભ પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ
શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ

લાઠીના દુધાળા ગામ નજીક ખેતરોમાં પાણી ભરાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. લાઠીના દુધાળામાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળ્યા હતા.

દુધાળા ગામમાં ખેતરો તળાવમાં ફેરવાયા
દુધાળા ગામમાં ખેતરો તળાવમાં ફેરવાયા

ભાવનગરના જેસરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લા જેસર તાલુકામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને બપોરે આકાશ વાદળોથી ઘેરાય ગયું હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદઆવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને હાલ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ રહ્યું હતું. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાત લોકોને વરસાદના કારણે ગરમીથી થોડા અંશે રાહત થઈ હતી.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદની આગાહી
રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટાને કારણે ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

દેશમાં 103 ટકા વરસાદની આગાહી
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.