સિંહના મોત સામે સવાલો:સાવરકુંડલામાં સિંહના આકસ્મિક મોત મામલે નિવૃત્ત જજે આશંકા વ્યકત કરી, FSL તપાસ કરાવવા માગ કરી

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિવૃત્ત જજ જયદેવ ધાધલ. - Divya Bhaskar
નિવૃત્ત જજ જયદેવ ધાધલ.
  • આંતરડું બહાર નીકળી જાય એવી ઇજામાં ફક્ત આટલું જ લોહી ના નીકળે: જયદેવ ધાધલ
  • પેટથી નીચે પાછળનો બધો ભાગ અને બંને પાછળના પગ સહી સલામત: જયદેવ ધાધલ
  • વન વિભાગ દ્વારા અકસ્માતમાં સિંહનું મોત થયાનો દાવો કરાયો

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક 22 તારીખે વહેલી સવારે સિંહનું મોત થયું હતું, જેમાં વન વિભાગ દ્વારા અજાણ્યા વાહનની અડફેટે સિંહનું અકસ્માતમાં મોત થયાનું જાહેર કરાયું હતું. જોકે આ સિંહના મોતના બનાવમાં હવે નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જયદેવ ધાધલે શંકા દર્શાવી છે. ઉપરાંત તેમણે અકસ્માતે થયેલી સિંહના મોતની આ ઘટનામાં ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માગણી કરી હતી.

હાઇકોર્ટ એડવોકેટ અને નિવૃત્ત જજ જયદેવ ધાધલ દ્વારા સમગ્ર અકસ્માતની ઘટનામાં તપાસ અંગે સવાલો ઉઠાવાતાં સ્થાનિક વન વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના અંગે ધારી ગીર પૂર્વ ડીસીએફ અંશુમન શર્માને પૂછતાં તેમણે આ ઘટના અકસ્માત જ હોવાની વાત પર જોર મૂક્યું હતું.

નિવૃત્ત જજ દ્વારા સોશિયલ મીડિયા ફોટો અને વીડિયોને આધારે શંકા દર્શાવાઈ હતી, જેમાં તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે અકસ્માતને કારણે આંતરડું બહાર નીકળી જાય એવી ઇજા થાય ત્યારે ફક્ત આટલું જ લોહી ના નીકળે. વધુમાં તેમણે શંકા દર્શાવી હતી કે પેટથી નીચે પાછળનો બધો ભાગ અને બંને પાછળના પગ સહી સલામત છે, જ્યારે ઇજા માત્ર એટલા ભાગમાં જ છે. આ ટાયર ઉપરથી ફરી વળ્યું હોય એવી ઇજા નથી. તેમણે વધુમાં સવાલ ઉઠ્વ્યો હતો કે પેટ ઉપરથી ટાયર ફરી વળે તો ડાબું પડખું આટલું સલામત ના રહે. આ પ્રકારના મેસેજ સાથે સોશિયલ મીડિયા પર નિવૃત્ત જજે પોસ્ટ કરી તપાસની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...