સાવરકુંડલા તાલુકાના બાઢડામા રહેતા એક નિવૃત આર્મીમેને રેલવે ફાટકમેનને ફાટક ખોલવાનુ કહી ના પાડતા ધમકી આપી હતી. તેમજ ટ્રેક વચ્ચે ઉભા રહી ટ્રેન રોકવાનો પ્રયાસ કરતા આ બારામા તેની સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, રેલવે ફાટકમેનને ધમકી આપ્યાની આ ઘટના સાવરકુંડલાના બાઢડામા બની હતી. રેલવે ફાટકમેન સૌરભભાઇ રામશકલભાઇ વર્મા (ઉ.વ.28) નામના કર્મચારીએ સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ રેલવે ફાટકમેન તરીકે ફરજ બજાવતા હોય તારીખ 25ના રોજ મહુવા રોડ બાઢડા ફાટક પર હોય અને ટ્રેન બાઢડા રેલવે ફાટકે નિકળવાની હોય જેથી ફાટક બંધ કર્યુ હતુ.આ દરમિયાન બાઢડામા રહેતા અશ્વિનભાઇ ચીથરભાઇ જમોડ (ઉ.વ.40) નામના નિવૃત આર્મીમેન પોતાનુ મોટર સાયકલ લઇને સાવરકુંડલા તરફ જતા હતા.
ફાટક બંધ હોવાથી તેણે બાઇક પરથી ઉતરી તેને ગાળો આપી ફાટક ખોલવાનુ કહ્યું હતુ. જો કે સુરક્ષાને ધ્યાને લઇ ફાટક ન ખોલતા તેણે ગાળો આપી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી રેલવે ટ્રેક વચ્ચે ઉભા રહીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે એએસઆઇ એમ.કે.સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.