અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં આવેલા નાના તળાવ અને ચેકડેમ સૌની યોજનાથી ભરવાની ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય અંબરીશ ડેરે જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી છે.
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પત્રમાં જણાવ્યું છે કે, પોતાના મત વિસ્તારમાં ધાતરવડી ડેમ અને રાયડી ડેમમાં સૌની યોજનાની પાઈપલાઈનનું કામ પૂર્ણ થયેલ છે જે આવકાર્ય છે. આ યોજના સરકાર અમલમાં લાવી ત્યારે જે ગાઈડલાઈન નક્કી કરી હતી તેમાં જે વિસ્તારમાંથી પાણીની પાઈપલાઈન પસાર થતી હોય તેની નજીકના 3 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ તળાવ કે ચેકડેમ હોય તો તે પાઈપલાઈનમાંથઈ ભરવામાં આવે.જો આ તળાવ અને ચેકડેમ ભરવામાં આવશે તો આ વિસ્તારના ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે.
રાજુલાના ધારેશ્વર ડેમની ઊંચાઈ વધારવાની માગ
રાજુલા તાલુકાના ધારેશ્વર ધાતરવડી ડેમ-1 આવેલ છે. જે 1972માં કોંગ્રેસની સરકારમાં બનાવવામાં આવ્યો હતો. જે રાજુલા જાફરાબાદ શહેરને પાણી અને અન્ય 13 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે નિયમિત પાણી આપવામાં આવે છે. અંદાજે 25 વર્ષ પહેલાં આ ડેમ ઉપર ફ્યુઝ ગેટ ચડાવવામાં આવેલા જેના હિસાબે ડેમની અંદર વધુ પાણી સ્ટોરેજ થઈ શકતું હતું અંદાજે 15 વર્ષ પહેલાં અતિ ભારે વરસાદના કારણે આ ફ્યુઝ ગેટ ડેમેજ થયો હતો. જેના હિસાબે ડેમની સ્ટોરેજ કેપેસિટી ઘટી ગઈ છે. ફ્યુઝ ગેટની ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ હતી તો આ ફ્યુઝ ગેટની જગ્યાએ આર.સી.સી. સ્ટ્રક્ચર વધારવામાં કે કરવામાં આવે તો ડેમની સંગ્રહની ક્ષમતા વધી શકે તેમ છે મહત્વની વાત એ છે આ ડેમમાં પાણીની ક્ષમતા વધે તે માટે એક પણ ચોરસ મીટર જમીન સંપાદન કરવી પડે તેમ નથી તો આ વિસ્તારના હીતમાં આ ડેમની ઊંચાઈ વધારવામાં માટે પણ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માંગ કરવામાં આવી છે અલગ અલગ બાબતે બે પત્રો લખી સરકારને રજૂઆતો કરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.