તંત્ર સાવધ:આજે જિલ્લામાં રેડ એલર્ટ: એનડીઆરએફની ટીમ તૈનાત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર- એસપીના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ધામા. - Divya Bhaskar
કલેકટર- એસપીના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ધામા.
  • બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી

અમરેલી જિલ્લામા આગામી બે દિવસ હેવી વરસાદની આગાહીના પગલે ભારે છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામા બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લાના વહિવટી તંત્રને સાબદુ કરાયુ છે. અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

આવતીકાલે 14મી તારીખે સૌરાષ્ટ્રમા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામા રેડ એલર્ટ છે. જયારે 15મી તારીખે અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. બે દિવસ દરમિયાન અમરેલી જિલ્લામા ભારેથી અતિભારે અને કેટલાક સ્થળે અતિથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેને પગલે સમગ્ર તંત્ર હરકતમા આવ્યું છે. આગામી બે દિવસ માટે શાળા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમા રજા જાહેર કરી દેવાઇ છે.

આ ઉપરાંત તમામ 108 એમ્બ્યુલન્સને પણ એલર્ટ રખાઇ છે. જેમા જરૂરી સાધનો, દવાઓ અને ઓકસિજનનો પર્યાપ્ત જથ્થો રાખવામા આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ અને જિલ્લા પોલીસવડા હિમકર સિંહે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ધસી જઇ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જિલ્લાના જુદાજુદા વહિવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. અમરેલી જિલ્લામા એનડીઆરએફની ટીમને પણ ખડેપગે રાખવામા આવી છે.

જરૂર પડયે નીચાણવાળા વિસ્તારમા વસતા લોકોને સલામત સ્થળે ખસેડવા પણ તૈયારી રખાઇ છે. અને આશ્રય સ્થાનમા પાણી, ભોજન, ડીજી સેટ, મેડીસીન વિગેરેની વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે. ટીડીઓ, મામલતદાર, પાલિકાના સ્ટાફ વિગેરેને જરૂરી વ્યવસ્થાઓ માટે કામે લગાડવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...