હેલ્થ વિભાગનું ચેકિંગ:રાજુલા તાલુકામાં આર.સી.એચ.ઓ. અધિકારીએ આરોગ્ય વિષયક કામગીરીનો તાગ મેળવ્યો, હાઈરિસ્ક સગર્ભાઓની મુલાકાત લીધી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય વિભાગ અમરેલી દ્વારા લોકોના આરોગ્યની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. તે અનુસંધાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષીના માર્ગદર્શન હેઠળ જીલ્લા આર.સી.એચ.ઓ. અધિકારી ડૉ.એ.એસ.સાલવી દ્વારા રાજુલા તાલુકાના ભેરાઈ, વિક્ટર, ખેરા અને ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ ડૉક્ટર સાલવીએ રાજુલા અર્બન એરિયા વિસ્તારની હાઈરિસ્ક સગર્ભા માતાઓની રૂબરૂ મુલાકાત કરી તાલુકાની આરોગ્ય વિષયક કામગીરીનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ડૉ.સાલવી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન તમામ આરોગ્ય સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત વેળાએ આરોગ્ય અધિકારી સ્ટાફની કામગીરીથી સંતુષ્ટ થયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓની જાત માહિતી મેળવી અને અન્ય મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી જવાબદારોને જરૂરી સૂચનો કર્યા તેમજ વેક્સિન રૂમમાં ટેમ્પરેચર લોગબુક અને વેક્સિનની જાળવણી વિશે ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. મમતા દિવસમાં બાળકો અને માતાઓને સમયસર સેવાઓ આપવી. વિનામૂલ્યે લેબોરેટરી અને સોનોગ્રાફી તપાસ સહિતની સેવાઓ સગર્ભા માતાઓને પૂરી પાડવા સૂચના આપવામાં આવી.

રાજુલા અર્બન વિસ્તારમા હાઈરિસ્ક સગર્ભા બહેનોના ઘરે ડૉ.સાલવી દ્વારા રૂબરૂ મુલાકાત કરી આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી સેવાઓ વિશે માહિતી મેળવી હતી. લોહીની ઓછી ટકાવારીવાળી સગર્ભા બહેનોને આર્યન, સુક્રોજ આપવા અને જરૂરી પોષણ બાબતે ધ્યાન રાખવા જણાવ્યું હતુ. આમ રાજુલા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે સમૃદ્ધ કરી શકાય અને તે માટે શું શું સુધારો કરી શકાય તે બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી. કલસરીયા સાથે પણ કેટલીક ચર્ચાઓ કરી જરૂરી સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...