વરસાદનો બીજો રાઉન્ડ:અમરેલી જિલ્લામાં થયેલા વાવેતર પર કાચા સોનારૂપી વરસાદ, ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા વરસ્યા

અમરેલી14 દિવસ પહેલા
  • વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ઉઠ્યા

અમરેલી જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે. પ્રથમ વરસાદ બાદ જિલ્લામાં થયેલા વાવેતર પર વરસાદની તાતી જરુરિયાત હોય મેઘરાજાએ કાચા સોનારૂપી હેત વરસાવ્યું હતું. અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા.

જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ
અમરેલી જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગઈકાલે વડીયામાં બે ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં આજ સવારથી વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે. ત્યારે ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વરસાદ આવે તેવી આગાહી બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વડીયા વિસ્તારમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. આજે ફરી અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલે જોર પકડ્યુ છે. જ્યારે આજે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે પાણીથી તરબોળ જોવા મળ્યું હતુ. કુંકાવાવ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. ઉપરાંત ધારી વિસ્તારમાં પણ સતત બીજા દિવસે વરસદનું આગમન થયું હતું. ધારીના ઝર, મોરઝર જેવા ગામડામાં વરસાદ ખાબક્યો હતો,અમરેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા ગોખરવાળા,ચાંદગઢ,લાપાળિયા, રાજસ્થળી,દેવળીયા, આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઠવી, શેલણા, વિરડી,નાલ જેવા વિસ્તારમાં વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા.

વરસાદના બીજા રાઉન્ડના કારણે ખેતીને જીવનદાન મળ્યું
હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડકા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં થયેલા વાવેતરને જીવનદાન મળ્યું છે. કેમ કે કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં વરસદએ વિરામ લીધો હતો તેવા સમયે વરસાદ પડતા ઘણા અંશે રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...