અમરેલી જિલ્લામાં આવેલી પીપાવાવ કોસ્ટલ દરિયાઈ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દેશી દારૂનું દૂષણ બેફામ વધી રહ્યું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દારૂના અનેક વખત વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થાય છે. સ્થાનીક લોકો દ્વારા અવારનવાર પીપાવાવ મરીન પોલીસ અધિકારીને રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી. જોકે, ઉંચેયા ગામની સીમમા IGએ સ્થાનીક પોલીસને દૂર રાખી રાજુલા પોલીસને સૂચના આપતા 200 લીટર દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે કુલ 26 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
આજે ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમારની સીધી સુચનાથી પીપાવાવ મરીન પોલીસને દૂર રાખી ઉંચેયા ગામની સીમ વિસ્તારમાં દેશી દારના અડ્ડા ઉપર રાજુલા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 200 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ 19 ગોળના ડબ્બા, 4 હજાર લીટર આથો સહિત દેશી દારૂ બનાવવા માટેનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ 26 હજારનો મુદ્દામાલ કબજે કરી પીપાવાવ મરીન પોલીસને સોંપ્યો છે. રાજુલા પી.એસ.આઈ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. અહીં સ્થાનીક ગ્રામ્ય વિસ્તારના લોકોએ પી.એસ.આઈ.ની બદલી કરવાની પણ માગ કરી હતી.
ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત
આ મામલે આરોપી દિલુ જીવાભાઈ બોરીચા, વનરાજ હાથીભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી દિલુ બોરીચાની ધરપકડ પોલીસે કરી છે. જ્યારે વનરાજ નામનો આરોપી ફરાર છે તેને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. થોડા મહિના પહેલા પીપાવાવ પોર્ટ હાઇવે ઉપર પાનના ગલ્લે દેશી દારૂ વહેંચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હાઇવે ઉપર ખુલ્લે આમ દેશી દારૂ વિતરણ થઈ રહ્યું હતું તેમ છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.