રેલવે સેવકોની હડતાળ:રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક રેઢોપટ બન્યો, આ વિસ્તારમાં રહેતા સિંહો પર જોખમ સર્જાયું

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સેવકોની હડતાળની પગલે વનવિભાગમાં દોડધામ મચી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલાથી પીપાવાવ પોર્ટનો રેલવે ટ્રેક સૌરાષ્ટ્રનો સૌથી મોટો સિંહો સહિત વન્યપ્રાણીઓ માટેનો સેન્સેટીવ વિસ્તાર છે. અહીં સિંહ સહિતના વન્યપ્રાણીઓની સુરક્ષા માટે 42 રેલવે સેવકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ, પડતર માગણીઓને લઈ રેલવે સેવકોએ હડતાળ પર ઉતરી જતા વનવિભાગમાં દોડધામ મચી છે. આ સમય દરમિયાન જ રેલવે ટ્રેક પર ગુડઝ ટ્રેન અડફેટે વાછરડી આવી જતા મોત નિપજ્યું હતું.

રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટના ન બને તે માટે અહીં વર્ષોથી રેલવે સેવકો કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તેમની વિવિધ માંગણી બાબતે સ્થાનિક રાજુલા રેન્જ વનવિભાગને રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા ગઈરાતે હડતાળ ઉપર ઉતરી જતા રેલવે ટ્રેક હાલ રેઢોપટ જેવો છે. અહીં રેલવે ટ્રેક આસપાસ સિંહોનો વસવાટ છે સતત સિંહો સહિત વન્યપ્રાણી અવર જવર કરતા હોય છે તેવા સમયે રેલવે સેવકો હડતાળ ઉપર ઉતરતા વનવિભાગમાં દોડધામ મચી ગઇ છે. જ્યારે આજે એક પણ રેલવે સેવક ફરજ પર નહિ હોવાને કારણે ગાય અને વાછરડીનો ગુડ્સ ટ્રેન સાથે 16 નંબરના ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાય ગંભીર રીતે ઘાયલ થય હતી અને વાછરડીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ.

કેટલાય સમયથી સ્થાનિક ફોરેસ્ટ અને રેલવે સેવકો સાથે વિવાદ ચાલી રહ્યો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. જેમાં હાજર હોવા છતાં રેલવે સેવકોની ગેરહાજરી પૂરતા હોવાને કારણે રેલવે સેવકો વધુ નારાજ થયા છે. આ ઉપરાંત પગાર વધારવા માટેની વિવિધ માંગો પણ છે.

ઉંચેયા ગામના ઉપસરપંચ દિલુભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક ઉપર સિંહ બચાવવા માટે રેલવે સેવકો કામ કરી રહ્યા છે. તે રેલવે સેવકો હાજર હોવા છતાં તેમની હાજરી નથી પુરાતી અને તેમનો પગાર પણ વધારવાની જરૂર છે. 15 કલાકથી હડતાળ ઉપર હોવાના કારણે આજે એક વાછરડીનું ટ્રેન અડફેટે મોત થયું છે. ગાય બચી ગઈ છે પણ સિંહનો અકસ્માત થશે તો જવાબદારી કોની ?તાકીદે આ લોકોનો પ્રશ્નનનું વનવિભાગ એ નિરાકરણ લાવવું જોઈએ.

રાજુલા રેન્જ માં હાલ કાયમી આર.એફ.ઓ. નથી 8 મહિનાથી આર.એફ.ઓ નહીં હોવાને કારણે વહીવટ કથળ્યો છે. ફોરેસ્ટ કર્મીઓ મોટાભાગે રેન્જ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત આર.એફ.ઓનો ચાર્જ તળાજાના આર.એફ.ઓને આપ્યો છે જેના કારણે તળાજાના આર.એફ.ઓ ને બે રેન્જની જવાબદારી હોવાને કારણે દરરોજ આવી શકતા નથી જેના કારણે રાજુલા રેન્જમાં સમસ્યાઓ વધી રહી છે સરકાર તાકીદે કાયમો આર.એફ.ઓની નિમણુક કરવાની જરૂર છે.

રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક ઉપર અત્યાર સુધીમાં 8 થી વધુ સિંહોના ગુડસ ટ્રેન હડફેટે કપાયને મોત ને ભેટી ચુક્યા છે. સિંહોની સુરક્ષા કરવા માટે રેલવે સેવકોની અતિ મહત્વની કામગીરી છે તેવા સમયે હાલ હડતાળ જો વધુ ચાલી તો મોટી દુર્ઘટના અહીં બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...