દરિયાઈ 108 એમ્બ્યુલન્સની માગ:રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે માછીમારોની આકસ્મિક સારવાર માટે દરિયાઈ એમ્બ્યુલન્સ ફાળવવા PMને પત્ર લખી રજૂઆત કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે મધદરિયે બોટમાં અકસ્માત થતા એક ખલાસીનું મોત થયું હતું
  • ધારાસભ્યએ બોટ અકસ્માતમાં મૃતક ખલાસીની અંતિમ વિધિમાં જોડાઈ પરિવારજનોને સાંત્વના આપી હતી

રાજુલા જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માછીમારો માટે 108 સુવિધા ફાળવવા માટે રજુઆત કરવામાં આવી છે. માછીમારો માટે અતિઆવશ્યક દરિયાઇ 108ની વર્ષો જૂની માંગણી છે. માછીમારી સમયે જતા અકસ્માત સમયે સમયસર સારવાર ન મળતા અનેક માછીમારો મોતને ભેટ્યા છે. આ બાબતે અનેકવાર સત્તાપક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરવામા આવી છે પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખતા રજૂઆત કરી હતી કે, રાજુલા/જાફરાબાદ વિસ્તારના માછીમાર ભાઈઓને દરિયાઈ એમ્બ્યુલન્સ 108 ન હોવાને કારણે પોતાની જાન ગુમાવવા ના અસંખ્ય કિસ્સાઓ મારી જાણમાં છે તેથી જ 2017 માં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ છેલ્લા 4 વર્ષથી લોકશાહીના મંદિર એવા "વિધાનસભા ગૃહ" માં માંગણી કરી રહ્યો છું પણ નકરા વાયદા સિવાય કશું હાંસિલ થતું નથી.

અંબરીશ ડેરનું ટ્વીટ
અંબરીશ ડેરનું ટ્વીટ

ગત રાત્રીએ મધદરિયે બોટમાં અકસ્માત થતા 33 વર્ષીય જગદીશભાઈ મંગાભાઈ બારૈયાનું યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે અને સદગત ના 9 વર્ષના બંને પુત્રો અનાથ થયાં છે. ત્યારે આવી અકસ્માતની ઘટનામાં સમયસર સારવાર મળે તે માટે મારા દરિયાઈ વિસ્તારના લોકોની સુખાકારી માટે 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી અમારી માગ છે. અમરીશ ડેર દ્વારા આ અંગે ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનને લેખેલા પત્રમાં વધુમાં જણાવ્યું કે, ગઈ કાલે મધદરિયે થયેલા અકસ્માતમાં એક ખલાસીનું મોત થયું હતું. જેથી તેના 9 વર્ષના અનાથ થયેલા બે બાળકો યાજ્ઞિક તેમજ હાર્દિકના માસૂમ ચહેરા હું નજર સામે નિહાળી રહ્યો છું. ત્યારે આ 108 દરિયાઈ એમ્બ્યુલન્સ સહિત આ વિસ્તારના જાણીજોઈને અટકાવેલા ઘણાબધા કામો ઝડપ થી થાય એવી સૂચના ગુજરાત સરકારને આપવાની વિનંતી કરૂ છે.

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર જાફરાબાદની બોટ અકસ્માતમાં મૃતક ખલાસીની અંતિમ વિધિમાં જોડાયા હતા અને ખલાસીના પરિવારજનોને સાંત્વના આપી હતી. આ ઉપરાંત અન્ય જાફરાબાદ શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશભાઈ મંગાભાઈ બારૈયા (મૃતક ખલાસી)
જગદીશભાઈ મંગાભાઈ બારૈયા (મૃતક ખલાસી)

ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ પીપાવાવના દરિયામાં ગઈ કાલે રાત્રે માઢવાડ કૃપા નામની બોટ દરિયામાં 50 નોટિકલ માઈલ દૂર હતી. ત્યારે આ બોટમાં અકસ્માત થયો હતો. જેમાં માછીમારી દરમિયાન લોખંડનો સળિયો લાગી જવાના કારણે એક ખલાસીનું મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...