ચોમાસાની શરૂઆત એકંદરે શાનદાર:જિલ્લાનો વરસાદ 33 ટકાને પાર પણ રાજુલા, જાફરાબાદ હજુ કોરા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ સાવરકુંડલામાં 44 અને વડીયા માં 43 ટકા
  • સીઝનમાં રાજુલામાં માત્ર 16 ટકા અને જાફરાબાદમાં 15 ટકા વરસાદ

અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત એકંદરે શાનદાર રહી છે. બલ્કે હજુ તો જુલાઈની શરૂઆત છે ત્યાં જ અમરેલી જિલ્લામાં સીઝનનો 33 ટકા વરસાદ વરસી ગયો છે. જોકે રાજુલા અને જાફરાબાદ પંથકમાં હજુ જોઈએ તેવી મેઘ મહેર નથી. અને અહીં માત્ર 15% જેટલો વરસાદ વરસ્યો છે. જેને પગલે અહીંના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ઓણ સાલ ચોમાસામાં અમરેલી જિલ્લામાં વરસાદનો એકેય જોરદાર સાર્વત્રિક રાઉન્ડ જોવા મળ્યો નથી, પરંતુ છેલ્લા એક પખવાડિયા કરતા વધુ સમયથી છૂટો છવાયો નોંધપાત્ર વરસાદ પડી રહ્યો હોય જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હવે વાવણી લાયક અને વાવણી બાદ મૌલાત પર કાચા સોના સમાન વરસાદ વરસી ગયો છે. જેને પગલે દર વર્ષે આ વિસ્તારમાં જેટલો વરસાદ પડે છે તેના ત્રીજા ભાગનો વરસાદ તો અત્યાર સુધીમાં પડી ગયો છે. રવિવારની સાંજ સુધીમાં જિલ્લામાં સીઝનનો વરસાદ 33.23% થઈ ગયો હતો.

અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકામાં 44.73% થયો છે. આ ઉપરાંત વડીયા તાલુકામાં પણ 43.97 ટકા વરસાદ ચુક્યો છે. જ્યારે ખાંભા તાલુકામાં 43.25% વરસાદ પડી ચૂક્યો છે. આમ અમરેલી જિલ્લાના ત્રણ તાલુકામાં સિઝનની સરેરાશ સામે 40 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. બગસરા અને લાઠી તાલુકામાં પણ વરસાદની સંતોષકારક સ્થિતિ છે. વરસાદની ઘટ હાલમાં રાજુલા અને જાફરાબાદ તાલુકામાં જોવા મળી રહી છે. રાજુલા તાલુકામાં સીઝનમાં માત્ર 16.48 ટકા વરસાદ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં માત્ર 15.28% વરસાદ થયો છે. જે જિલ્લામાં સૌથી ઓછો છે. સામાન્ય રીતે દરિયાકાંઠાના આ વિસ્તારમાં જિલ્લાના અન્ય વિસ્તારની સરખામણીમાં વધુ વરસાદ હોય છે. પરંતુ આ સાલે સ્થિતિ જરા જુદી છે.

રાજુલા અને જાફરાબાદ પંથકના લોકો ધરતીને તરબતર કરી દે તેવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો અહીં વાવણી મોડી થાય અથવા મોડી વાવણીના કારણે ખેડૂતોને પાક બદલવો પડે તો ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પણ ભીતિ છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં એવરેજ વરસાદ છે જેનાથી ખેડૂતોને સંતોષ છે. હાલમાં સમગ્ર જિલ્લામાં રવિવાર સુધીમાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જિલ્લાના 11 તાલુકામાં સિઝનનો સરેરાશ 222 મીમી વરસાદ નોંધાયો છે.

રાજુલા પંથકમાં 1 ઇંચ વરસાદ, અમરેલીમાં માત્ર ઝાપટાં
​​​​​​​દરમિયાન આજે રાજુલા પંથકમાં બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો હતો અને સાંજ સુધીમાં અહીં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હતો. રાજુલામાં 28મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જાફરાબાદમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. ખાંભામાં ઝાપટા સ્વરૂપે 5 મીમી અને લીલીયામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. સાંજના સમયે અમરેલીમાં પણ એક જોરદાર ઝાપટું પડી જતા શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

કયા તાલુકામાં સીઝનનો કેટલો વરસાદ?

તાલુકોઆજ સુધીનોટકા
વરસાદ
અમરેલી18327.03
રાજુલા11816.48
જાફરાબાદ10815.28
ખાંભા28543.25
લીલીયા17726.46
લાઠી25539.35
વડીયા28843.97
બાબરા24737.37
સાવરકુંડલા31044.73
ધારી20232.48
બગસરા27239.14
કુલ સરેરાશ22233.23

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...