રાજુલા પંથકમા ભરઉનાળે પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમા પણ લોકોને પીવાનુ પાણી મળતુ ન હોય મહિલાઓને દુરદુર સુધી પાણી મેળવવા ધોમધખતા તાપમા ભટકવુ પડી રહ્યું છે. અહીના કુંડલીયાળા, ઝાંઝરડા તેમજ ઉટીયા ગામમા પણ પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. અહી આગામી દિવસોમા પાણી મુદે આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજુલા શહેરમા પણ મહિના પાણીનો જથ્થો ઓછો ફાળવવામા આવતો હોવાના કારણે અનેક વિસ્તારોમા પુરતા પ્રમાણમા પાણી વિતરણ થઇ શકતુ નથી. શહેરમા 12 એમએલડી પાણીની જરૂરીયાત હોય છે.
જેથી સામે ધાતરવડી ડેમમાથી 7 એમએલડી અને મહિમાથી માત્ર દોઢ એમએલડી પાણી જ મળી રહ્યું હોય પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. અહી પાલિકાએ ભાડે કુવા રાખવાની નોબત આવી હતી. પાલિકા પ્રમુખ સહિતે પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને રજુઆત પણ કરી હતી. હાલમા રાજુલા તાલુકાના કુંડલીયાળા, ઝાંઝરડા તેમજ ઉટીયા ગામમા પણ પીવાનુ પાણી મળતુ નથી.
ત્રણેય ગામોથી વસતિ અંદાજીત સાતેક હજાર જેટલી છે. ભરઉનાળે પીવાનુ પાણી મળતુ ન હોય મહિલાઓને બેડા લઇને દુરદુર વાડી ખેતરોમા ભટકવુ પડી રહ્યું છે. આ ગામોમા બે વર્ષ પહેલા મહિની પાઇપ લાઇન પણ નાખવામા આવી છે. પરંતુ અત્યાર સુધી પાણી આવ્યુ નથી. જેને પગલે ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે
કુંડલીયાળા અને ઝાંઝરડામાં માત્ર એક જ દાર
અહીના કુંડલીયાળા અને ઝાંઝરડા ગામમા તો એક જ દાર હોવાથી લોકોને તેના પર જ આધારિત રહેવુ પડે છે. આ પ્રશ્ને ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજુઆત પણ કરવામા આવી હતી. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
ગામોમાં પાણી નહી મળે તો આંદોલન કરાશે
ઝાંઝરડા, કુંડલીયાળા તેમજ ઉટીયા ગામમા પાણી મળતુ ન હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગાંગાભાઇ હડીયા તેમજ અરવિંદભાઇએ જણાવ્યું હતુ કે પાણી નહી મળે તો આગામી દિવસોમા આંદોલન કરાશે.
ટેન્કરની સુવિધા શરૂ કરવા માંગ
સરપંચ મુકતાબેન, હંસાબેન તેમજ ભાણાભાઇ લાખણોત્રાએ પાણી પુરવઠા બોર્ડ કચેરીમા રજુઆત કરી હતી કે ત્રણેય ગામોમા ટેન્કર મારફત પીવાનુ પાણી પુરૂ પાડવામા આવે. આ પ્રશ્ને કલેકટરને પણ રજુઆત કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.