સતત પાંચમા દિવસે મેઘમહેર:અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, રસ્તાઓ પર પાણી વહેતા થયા

અમરેલી15 દિવસ પહેલા
  • જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા આસપાસના ગામડાઓમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, ચૌત્રા સહિતના ગામડાઓમાં વરસાદ વરસતા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કોસ્ટલ એરિયામાં મેઘરાજાની એન્ટ્રી બાદ ધરતીપુત્રોએ આગામી દિવસોમાં સારો વરસાદ વરસવાની આશા સેવી રહ્યા છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ
જિલ્લામાં આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ટોલનાકાની આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા થોડીવાર માટે વાહનચાલકોએ થોભી જવાની ફરજ પડી હતી.

જિલ્લામાં 5 દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો
​​​​​​​
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી જતા નદી નાળાઓ છલકાયા હતા. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય ખેડૂતોએ વાવણીના પણ શ્રીગણેશ કરી દીધા છે.

વડીયા-કુંકાવાવમાં ધોધમાર વરસાદ
જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે વડીયા અને કુંકાવાવમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત લાઠીના શેખ પીપરીયા અને બગસરા શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...