તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાની ધમાકેદાર એન્ટ્રી:અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ, ટ્રેકટર સહિતના વાહનો તણાયા, નવસારીમાં 4, અમરેલીમાં 3.5 ઈંચ

અમરેલી3 દિવસ પહેલા
  • રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં વરસાદ
  • જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી ખેડૂતો ખુશ

ગુજરાતમાં પણ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે વલસાડ, ડાંગ, નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં પણ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.તો આંબરડી ગામની બજારમાં નદીની માફક ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

નવસારીમાં ગુરુવારે મોડી રાત્રિ દરમિયાન પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. જલાલપોરમાં 100 મિમી (4 ઈંચ), નવસારીમાં 62 મિમી (2.5 ઈંચ), ખેરગામમાં ગુરુવારે સવારે 13 મિમી, ગણદેવીમાં 6 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચીખલીમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. નવસારી અને જલાલપોરમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. વરસાદ પડતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

ચેામાસુ આરંભ થઇ રહ્યું છે. અને છેલ્લા બે દિવસથી જિલ્લામા છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તેની વચ્ચે આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારમા અનરાધાર વરસાદ તુટી પડ્યો હતો. ચલાલામા સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે રાજુલામા બે, ખાંભામા એક, જાફરાબાદ અને લીલીયામા પોણો તથા સાવરકુંડલામા અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આંબરડી અને દોલતીમા ચાર ઇંચ પાણી પડ્યું હતુ.

આજે રાજુલા, કુંડલા અને ધારી પંથકમા શાનદાર મેઘસવારી આવી પહોંચી હતી. ચલાલામા બપોર બાદ અનરાધાર વરસાદ તુટી પડ્યો હતો. અહી જોતજોતામા સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ગોપાલગ્રામ, દહિંડા, હાલરીયા, સરંભડા, ઢોલરવામા પણ આવી જ મેઘમહેર થઇ હતી.

સાવરકુંડલાના આંબરડીમાં અનરાધાર વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે લોકોએ ક્યારેય વિચાર્યો ના હોય તેવો વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે ગામમાં અનારાધાર વરસાદ વરસતા ગામની મુખ્ય બજારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ટ્રેકટરની ટ્રોલી અને ચાર મોટરસાયકલ તણાયા હતા. તો ગામની SBI બેંકની શાખામાં પણ પાણી ઘૂસી ગયા હતા. જોકે, હાલ પાણી ઓસરી જતા ગામલોકોએ રાહત લીધી છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા હિંડોરાણા નજીક બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે થોડીવાર માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે, વરસાદ રોકાઈ જતા સ્થિતિ સામાન્ય બની હતી.

ધારીની શેલ નદીમાં ઘોડાપૂર
જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ ઉપરાંત ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખાપાદર પાસેથી પસાર થતી શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

રાજુલા તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. આજે રાજુલા શહેરમાં 2 કલાક માં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે સાથે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડામાં પણ વરસાદ નું આજે આગમન ધમાકેદાર થયું છે.

હિંડોરણા, છતડીયા,પીપાવાવ વિસ્તાર,સરોવડા,કાતર,ખાખબાઈ,માંડરડી,વડલી આસપાસના અનેક ગામડામાં પણ વરસાદ પડી રહ્યો છે વરસાદ ના કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેરમાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા અને નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી શકયતા પણ જોવા મળી રહી છે.સાવરકુંડલા અને કાનાતળાવ, હાથસણી આસપાસના ગ્રામ્ય વિસ્તાર, ચલાલા અને ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલાયા
અમરેલીના ખાંભા, આંબરડી, ભાડ, ઈંગોરાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થતા ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી.દરવાજા ખોલાતા હેઠવાસમા આવતા ગામના લોકોને સાવચેત કરવામ આવ્યા હતા.

11થી 13 દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રાવાતી હવાનું ક્ષેત્ર બન્યું છે. આથી કોંકણ, ગોવા, ગુજરાત, કર્ણાટક,તેલંગણા, આંધ્ર, તમિલનાડુમાં 11થી 13 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતે પણ એલર્ટ જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...