આફત અનરાધાર:ભાવનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અમરેલીમાં ભરઉનાળે નદીમાં પૂર; અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા દિવસથી વરસી રહેલો કમોસમી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં તો બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ અમરેલીના રાજુલા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ત્યારે અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ શરૂ થયો છે.

અમદાવાદમાં વાતાવરણમાં પલટા બાદ ભારે પવન સાથે વરસાદ
અમદાવાદમાં વાતાવરણમાં મોડી સાંજે અચાનક જ પલટો આવ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. ત્યારે અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું હતું.

ભાવનગરમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયાં
ભાવનગરમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયાં

ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ
ભાવનગર શહેરના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કુંભારવાડા, મોતી તળાવ, સુભાષનગર, ધોધા સર્કલ, શિવાજી સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પાણીમાં તરબૂચ તણાયા
ભાવનગર શહેરમાં ઉનાળા દરમિયાન તરબૂચનો વેપાર કરતા વેપારીને સપને પણ ખ્યાલ નહીં હોય કે ધોધમાર વરસાદના કારણે રસ્તા પર એટલું પાણી ભરાશે કે તેના તરબૂચ તરવા લાગેશે. પરંતુ, આજે શહેરમાં બપોરના સમયે મેઘરાજાએ જે રીતે ધમાકેદાર બેટિંગ કરી તેના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રસ્તા પર તરબૂચનું વેચાણ કરતા એક વેપારીના તરબૂચ પણ પાણીમાં તણાવા લાગ્યા હતા.

ભાવનગર શહેરમાં વરસાદ બાદની તસવીર
ભાવનગર શહેરમાં વરસાદ બાદની તસવીર
ભાવનગર શહેરમાં રસ્તા પર પાણી ભરાયાં
ભાવનગર શહેરમાં રસ્તા પર પાણી ભરાયાં

રાજુલામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં આજે બપોરના સમયે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજુલા પંથકમાં બપોરના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. તો જાફરાબાદના નાગેશ્રી, કાગવદર, ભટવદર સહિતના વિસ્તારમાં અને સાવરકુંડલાના ચીખલી, વીજપડી, ભમર, ધાંડલા, આંબરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

અમરેલી જિલ્લામાં નદીમાં પૂર આવ્યું
અમરેલી જિલ્લામાં નદીમાં પૂર આવ્યું

ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ધારી પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે ધારીના નાગધ્રા, કાંગસા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા ગામડાના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.

સાવરકુંડલામાં ખેતરો પાણી પાણી થયાં
સાવરકુંડલા પંથકમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને માઠી અસર પહોંચી છે. ખડસલી ગામના ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેતરોમાં તૈયાર થયેલી ડુંગળી કાઢીને જે પાથરા કરાયા હતા તે પાણીમાં તરબોળ જોવા મળ્યા હતા. એક તરફ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ ખેતરમાંથી પાક નીકળે તે પહેલાં જ બગડી જતો જોવા મળ્યો હતો.

રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ
રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ

આકરા તાપના બદલે ઠંડક અનુભવતા લોકો
સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં આકરો તાપ પડતો હોય છે અને લોકો ગરમીનો અનુભવ કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સતત વાદળછાયું વાતાવરણ રહેતા અને વરસાદ વરસવાના કારણે હાલ લોકો આકરી ગરમીના બદલે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. જો કે, વાતાવરણના આ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

રાધનપુર યાર્ડમાં વેપારીઓએ ખરીદેલો માલ બગડ્યો
રાધનપુર યાર્ડમાં વેપારીઓએ ખરીદેલો માલ બગડ્યો

પાટણમાં પવન સાથે વરસાદ, રાધનપુર યાર્ડમાં જણસ પલળી
પાટણ જિલ્લામાં આજે પાટણ શહેર, રાધનપુર, સમી, સાંતલપુર અને વારાહી પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદન કારણે ઘઉઁ અને જીરાના પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.રાધનપુર માર્કેટ યાર્ડમાં ખેડૂત પાસેથી ખરીદીને રાખવામાં આવેલા વેપારીના ચણા, એરંડા, રાયડો, મેથી સહિતનો માલ પલળી જતા વેપારીઓએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

જામનગરમાં વરસાદી ઝાપટું વરસ્યું
જામનગરમાં વરસાદી ઝાપટું વરસ્યું

જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાં
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતા લોકોમાં દોડધામ જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે માવઠું થયું હતું. ત્યારબાદ આજે બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. શહેરમાં ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે બપોરના સમયે અચાનક વરસાદી ઝાપટાં વરસતા રસ્તા પર લોકોમાં દોડધામ જોવા મળી હતી.

ચોટીલામાં ખેતીને નુકસાન
ચોટીલામાં ખેતીને નુકસાન

ચોટીલામાં ઊભો પાક જમીનદોસ્ત થયો
ગુજરાતના અન્ય જિલ્લાની માફક સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ચોટીલામાં પવન સાથે વરસાદ વરસવાના કારણે ખેતીમાં ઊભા પાકને નુકસાન થયું હતું. ઊભો પાક નાશ પામતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.