ચોમાસુ:ગોંડલમાં દોઢ કલાકમાં 4 ઈંચ,રાજકોટ-અમરેલીમાં ધીમી ધારે વરસાદ, ભાવનગરમાં મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડ્યું

3 વર્ષ પહેલા
  • ધારી અને રાજુલા પંથકમાં ધીમીધારે વરસાદ
  • ગોંડલમાં ભારે વરસાદથી વોરા કોટડા સંપર્ક વિહોણું, ગામમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાતા લોકો ફસાયા

વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ભાવનગરમાં એક મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અને ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.

ગોંડલમાં વરસાદનું જોર વધારે હોવાથી હાઇવે પર વાહનોને થંભી જવું પડ્યું
વરસાદનું જોર એટલું બધું હતું કે હાઇવે પર વાહનોને થંભી જવું પડ્યું હતું. ભારે પવનથી નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા હતા નાના મોટા સૌ કોઈ લોકો ન્હાવાની મોજ માણવા નીકળી પડ્યા હતા. શહેરના રાજમાર્ગો પર રીતસર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ખુશ ખુશાલ થઇ ગયા હતા. તેમજ પંથકમાં વાત કરીએ તો દેરડી, મોવિયા, વીંજીવડ, હડમતાળા GIDC તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ધોધમાર વરસાદને લીધે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

ઉમવાળા રોડ અંડરબ્રીજ સ્વીમીંગ પુલ બની ગયો
ઉમવાળા રોડ અંડરબ્રીજ સ્વીમીંગ પુલ બની ગયો

યાત્રાધામ વીરપુર અને ગોંડલમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસ્યો હતો. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર પછી ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધોધમાર વરસાદમાં બાળકોએ ન્હાવાની મોજ માણી હતી. મગફળીના વાવેલા પાક ઉપર સારા વરસાદી ઝાપટા વરસતા ખેડૂતો ખુશ થયા છે. ગોંડલ પંથકમાં પણ ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી, વેકરી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ સાથે જ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ સાથે જ ઉમવાળા રોડ અંડરબ્રીજ સ્વીમીંગ પુલ બની ગયો હતો. જેથી લોકોએ ન્હાવાની મજા માણી હતી. ગીરગઢડાના શાણાવાકીયામા વરસાદનું આગમન થતા ખેડુતો ખુશ થયા હતા.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં હતાં, પણ મેઘમહેર થતી નહોતી. ખેડૂતોએ વાવણી કાર્ય પણ પૂર્ણ કરી લીધું હતું અને મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ખેતરમાં ઉભી મોલાતને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધારી, રાજુલા, હિંડોરણા, ખાખબાઈ અને મોટા આગરીયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

ખાંભામાં ધીમીધારે વરસાદ શરૂ
ખાંભા પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં  મકાન પર વીજળી પડી 
ભાવનગરમાં આજે કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે કડાકા ભડાકા સાથે કાળીયાબીડ અક્ષરઘામ સોસાયટીમાં કુલદીપસિંહ જાડેજાના મકાનની અગાશી પર વીજળી પડી હતી. જેથી અગાશીમાં રહેલ પાણીની ટાંકીને નુકશાન પહોચ્યું હતું અને સ્લેબમાં ગાબડું પડી ગયું હતી. આ સાથે જ ઈલેક્ટ્રીક વાયરીંગ અને ઈલેક્ટ્રીક ઈન્સ્ટ્રુમેન્ટને પણ નુકસાન થયું હતું. સદનશીબે કોઈને જાનહાની થઈ નથી.  ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં.અને કુલદીપસિંહે જણાવ્યું હતું કે ખુબજ મોટા અવાજ સાથે વીજળી પડી હતી અને પાણીની ટાંકી, સ્લેબ અને ઈલેક્ટ્રીક વાયરીંગને નુકાસાન પહોંચ્યું છે.

(ભરત વ્યાસ-ભાવનગર, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, જયદેવ વરૂ-અમરેલી, અરૂણ વેગડા, ધારી, દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...