તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:રાધિકા કોવિડ હોસ્પિટલ બંધ કરાતા અમરેલી સિવિલ દર્દીઓથી છલોછલ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ દ્વારા દર્દીને ધરાર ફેસીલીટી સેન્ટર- હોમ ક્વોરન્ટાઇનમાં ખસેડી ખાલી કરાતા બેડ
  • તંત્રની ઘોર બેદરકારીને કારણે પ્રજા પીસાય છે પરંતુ જિલ્લાના ચૂંટાયેલા નેતાઓનું મૌન

અમરેલી જિલ્લાના કોઈ રાજકીય નેતાઓને કોરોના થાય તો તગડો ખર્ચ કરી અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ લે છે. પરંતુ અમરેલી સિવીલમાં આરોગ્ય તંત્ર કઈ રીતે પ્રજાને પીડા આપી રહ્યું છે. તે જોવાની દરકાર પણ આ નેતાઓ લેતા નથી. આરોગ્ય તંત્રએ રાધિકા કોવિડ હોસ્પિટલ બંધ કરી દીધી છે. સિવિલમા 100 બેડની સુવિધા છે જે છલોછલ છે. આરોગ્ય અધિકારીઓ ધરાર દર્દીઓને ફેસીલીટી સેન્ટર કે હોમ ક્વોરન્ટાઇનમાં મોકલી બેડ ખાલી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાની જનતાને જેટલી પીડા કોરોના આપી રહ્યો છે. તેનાથી વધુ પીડા સરકારી તંત્ર આપી રહ્યું છે. આરોગ્ય તંત્ર તો જાણે કોરોના માથે પડ્યો હોય તેમ રગશિયા ગાડાની જેમ કામ કરે છે.

શક્ય હોય તેટલા કેસ અને મૃત્યુના આંકડાઓએ છુપાવવા, ટાર્ગેટ પૂરા કરવા, ગમે તેના કોરોના ટેસ્ટ કરી નાખવા જેવા કામો માટે આ તંત્ર જાણીતું છે. દિવાળીના સમયમાં અહીં રાધિકા હોસ્પિટલ બંધ કરી દેવાઈ હતી તે સમયે કેસની સંખ્યા ઘટી હતી. પરંતુ દિવાળી બાદ દર્દીની સંખ્યા વધી રહી છે. આમ છતાં આ હોસ્પિટલ ફરી શરૂ કરાઇ નથી અને ભારણ માત્ર અમરેલી સિવિલ હોસ્પિટલ પર આવી રહ્યું છે.અમરેલી સિવિલના કોરોના વોર્ડમાં હાલ માત્ર 100 બેડની ફેસીલીટી છે. અહીં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા હોય નવી હોસ્પિટલ શરૂ કરવાને બદલે તંત્ર વધુને વધુ દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન તથા ફેસિલિટી સેન્ટરમાં ખસેડી હોસ્પિટલના બેડ ખાલી કરી રહ્યું છે. જે આરોગ્ય તંત્ર માટે ખૂબ જ શરમની વાત છે. બે દિવસ પહેલા દર્દીઓની સંખ્યા વધી જતા એક સાથે 32 દર્દીને અહીંથી ખસેડી લેવાયા હતા.

જ્યારે ગઇકાલે પણ 9 દર્દીને ફેસીલીટી સેન્ટરમાં મોકલી દેવાયા હતા. કોરોનામાંથી સાજા થયા પહેલા જ દર્દીને અહીંથી રવાના કરાતા હોય જો દર્દીની તબીયત લથડી તો ફરી સિવિલમાં દાખલ કરવા પડશે. અત્યાર સુધી ટેસ્ટિંગ અને સારવારની બેદરકારી હતી હવે દર્દીને સાજા થયા પહેલા જ હોસ્પિટલમાંથી વળાવવાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આવા સમયે પ્રજાના ચૂંટાયેલા નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. રાજકીય જુથવાદનો એવો ઘાટ ઘડાયો છે કે ભાજપના નેતાઓનું સરકારમાં ઉપજતું નથી અને જે ચૂંટાયેલા છે તે કોંગ્રેસના નેતાઓ હોય સરકાર તેની વાત સાંભળતી નથી. જેથી પીસાવાનું પ્રજાના ભાગે આવ્યું છે.

બે દિવસમાં 41દર્દીને હોસ્પિટલમાંથી ખસેડી લેવાયા
સિવિલ હોસ્પિટલના બેડ ઝડપથી ખાલી કરવાની ઉતાવળમાં અહીંથી બે દિવસમાં 41 દર્દીને ફેસીલીટી સેન્ટરમાં અને હોમ ક્વોરન્ટાઇનમાં મોકલી દેવાયા હતા.

જેને ખરેખર રજા મળવાપાત્ર છે તેને હેરાનગતિ
હદ તો એ વાતની છે કે જે દર્દી સારી સ્થિતિમાં છે અને ખુદ પોતે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા માંગે છે તેવા દરદી હેરાન-પરેશાન થઈ જાય છે. સારવાર કરનાર ડોક્ટર રજા આપે તો પણ જ્યાં સુધી જિલ્લા આરોગ્ય અધિકારી મંજૂરી ન આપે ત્યાં સુધી રજા અપાતી નથી

ગામડાના દર્દીઓને રાતે રજા આપી કરાય છે પરેશાન
સિવિલથી લઈ જિલ્લાની કોઈપણ હોસ્પિટલમાં ડોક્ટરે દર્દીને બપોરે રજા આપી દીધી હોય છતાં જિલ્લા આરોગ્ય અધિકારી જ્યાં સુધી હા ન પાડે ત્યાં સુધી દર્દીને જવા દેવાતા નથી. જિલ્લા આરોગ્ય અધિકારી રાત સુધી હા પાડતા નથી. જેથી ગામડાઓના દર્દીને મોડી રાતે રજા મળતી હોય પોતાના ઘરે જવામાં પરેશાની વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...