ચૂંટણી પ્રચાર:અમરેલી જિલ્લાની બેઠકો કબ્જે કરવા માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ સાવરકુંડલા અને ધારી બેઠક પર જંગી સભા યોજી

અમરેલી6 દિવસ પહેલા

અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપએ પ્રચાર શરુ કર્યો છે. જેમાં સ્ટાર પ્રચારકો અને દિગ્ગજો દોડધામ કરી સભાઓ કરી રહ્યા છે. મતદાનની તારીખો નજીક હોવાથી ભાજપ દ્વારા પ્રચાર વધારી સભાઓ કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા સતત દોડધામ કરી બેઠકો યોજી સભાઓ કરી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠક ઉમેદવાર મહેશ કસવાળાના સમર્થનમાં નેસડી ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોની તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની માહિતી આપી પ્રચાર કરવામાં આવ્યો હતો.

ધારીમાં ભવ્ય સભા યોજાઈ
ધારી-બગસરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે ધારી શહેરના મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રુપાલા-સંઘાણી માટે પ્રતિષ્ઠાનો જંગ
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી માટે અમરેલી જિલ્લાની બેઠકો કબ્જે કરવી એ હવે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે કેમ કે, પુરુષોત્તમ રુપાલા અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામના વતની છે. જ્યારે દિલીપ સંઘાણી અમરેલીના વતની છે. એટલે આ બંને દિગ્ગજો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સતત દોડધામ કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલીમાં છેલ્લે પ્રધાનમંત્રીની સભા પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદીએ તમામ બેઠકો કબ્જે કરવા માટે જવાબદારી આપી છે.

અન્ય સમાચારો પણ છે...