રોષ:નાના વેપારીઓનો વ્યવસાય વેરો પાંચ ગણો કરી નાખાતાં અમરેલીમાં વિરોધ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોલ અને શોરૂમ જેટલો જ વેરો નાના દુકાન ધારકને પણ લાગુ કર્યો

રાજ્ય સરકાર દ્વારા નાના દુકાનદારો માટે વ્યવસાય વેરામાં 5 ગણો તોતિંગ વધારો કરાતા વેપારી એસોસિએશન દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો છે. અને આ મુદ્દે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.રાજ્ય સરકારના નિર્ણય મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા અત્યાર સુધી નાના વેપારી પાસેથી રૂપિયા 500 વ્યવસાય વેરો લેવામાં આવતો હતો.

જ્યારે 5 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1200 સુધીનો વેરો લેવાતો હતો. રૂપિયા 10 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવનારા વેપારી માટે રૂપિયા 2400 વ્યવસાય વેરો લેવાતો હતો. પરંતુ હવે સરકારે તમામ ધંધાર્થીઓને એક સરખા ગણી રૂપિયા 2500નો વ્યવસાય વેરો લેવાનો નિર્ણય કરાયો છે.

અમરેલી ઇન્દિરા શોપિંગ સેન્ટર એન્ડ વેજીટેબલ માર્કેટ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ કોટેચા અને મંત્રી ચતુરભાઈ અકબરી વિગેરેએ આ મુદ્દે રાજ્યના નાણામંત્રી સુધી રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સરકારે જીએસટી દાખલ કરતી વખતે વન નેશન વન ટેક્સની વાત કરેલી.

તે મુજબ વ્યવસાય વેરો સદંતર નાબુદ કરવો જોઈએ. તેના બદલે પાંચ ગણો કરવામાં આવ્યો છે. આ વધારો આગામી તારીખ 30/9 પહેલા દૂર કરવા વેપારીઓની માંગણી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે અને ચૂંટણીમાં મતદાનનો પણ વિરોધ કરવામાં આવશે.

વ્યાજ અને દંડ બન્નેની વસુલાત કેમ ?
જો કોઈ વેપારી વ્યવસાય વેરો ભરવામાં મોડું કરે તો તેની પાસેથી પાલિકા દ્વારા તગડું વ્યાજ વસૂલવામાં આવે છે. એટલું જ નહીં પેનલ્ટી પણ લગાવવામાં આવે છે. આમ એક જ કસૂર માટે બે પ્રકારે દંડ ફટકારવામાં આવે છે તેનો પણ વેપારીઓએ વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...