વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ:કોંગ્રેસનો ગઢ અમરેલીમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધશે, તૈયારીઓને આખરીઓપ અપાયો

અમરેલી12 દિવસ પહેલા

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલીમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અમરેલીના ફોરવડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જિલ્લાની પાંચેય બેઠકના ભાજપના ઉમેદવારો એક મંચ ઉપર જોવા મળશે.
2017માં અમરેલીમાં ભાજપને ફટકો લાગ્યો હતો
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર તેજ ગતીએ ચાલી રહ્યો છે. અમરેલીમાં સ્ટાર પ્રચારકો પ્રચાર અર્થે આવી રહ્યા છે. ગઈકાલે સી.આર.પાટીલ, મનુસખ માંડવિયા, પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકી સહિતના દિગ્ગજોની હોડ લાગી હતી. 2017માં અમરેલીમાં ભાજપને ફટકો લાગ્યો હતો. જેથી આ વખતે જિલ્લામાં ભાજપને વધુમાં વધુ બેઠક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ફોરવડ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. અમરેલી, રાજુલા, લાઠી, ધારી, સાવરકુંડલા સહિત પાંચેય બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી
વડાપ્રધાનની અમરેલીની મુલાકાતને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. રેન્જ આઈ.જી.કક્ષાના અધિકારીઓ દ્વારા મોદીના રૂટ અને રાજમાર્ગો ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. સભા સ્થળ ઉપર ડોગ સ્કોડ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે. સમગ્ર આયોજનનો લઈ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
21 નવેમ્બરે અરવિંદ કેજરીવાલનો રોડ શો
અમરેલીમાં 21 નવેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અમરેલીમાં આવી રહ્યા છે. અમરેલીમાં કેજરીવાલનો રોડ શો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...