તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહ અન્યત્ર ખસેડાતા આંદોલન:રાજુલાના નજીકથી 5 સિંહને લઈ જવાના મામલે 'સેવ એશિયાટિક લાયન અભિયાન" દ્વારા સિંહને પાછા લાવવા અભિયાન છેડાયું,રાજયભરના સિંહપ્રેમી જોડાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી ગીર પૂર્વ કચેરી ખાતે આવતીકાલે સિંહપ્રેમીઓ મોટી સંખ્યામાં પહોંચી વિરોધ કરશે આ પહેલાં કોવાયા ગ્રામજનો દ્વારા વનમંત્રીને લેખિત રજૂઆત કરાઇ હતી

અમરેલીના રાજુલા પંથકના કોવાયા ગામ નજીક વિડી વિસ્તારમાથી 18 ઓગસ્ટના રાતે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન વિસ્તારના રેવન્યુના સિંહોને સ્થાનિક રેન્જ અને વનવિભાગને દૂર રાખી ધારી ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા સિંહોને પકડી લઈ જવાયા હતા. તેને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે સેવ એશિયાટિક લાયન અભિયાન દ્વારા સિંહ પ્રેમીઓને આ સિંહને પાછા લાવવાના અભિયાનમાં જોડવાની હાકલ કરાઇ છે. જેમાં આગામી તારીખ 26 ઓગષ્ટના રોજ ધારી નાયબ વન સંરક્ષણ ગીર પૂર્વ કચેરી ખાતે રાજયભરના સિંહપ્રેમીઓ મોટી સંખ્યામા જોડાઇને સિંહને અન્યત્ર ખસેડવાનાં નિર્ણયનો વિરોધ કરશે.

વનવિભાગ પાસે સિંહોને કેમ લઈ જવાયા તેનો કોઈ જવાબ મળતો નથી જ્યારે 4 દિવસ જેટલા સમય બાદ પણ સિંહો પરત નહિ આવતા કોવાયા ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત વનમંત્રી ગણપત વસાવા,સહિત ઉચ્ચ અધિકારીઓ ને પત્ર દ્વારા લેખિત રજૂઆત કારાઇ હતી, જ્યારે હવે આ મામલે સેવ એશિયાટિક લાયન અભિયાન દ્વારા પ્રેસનોટ જાહેર કરાઇ છે. જેમાં તારીખ 26-08 ધારી નાયબ વન સંરક્ષણ ગીર પૂર્વ કચેરી ખાતે કેટલાક સિંહપ્રેમીઓ મોટી સંખ્યામા જોડાય તેવી શકયતા છે.

સિંહોને તેમના વિસ્તારમા મૂક્ત કરવાની માંગ
સેવ એશિયાટિક લાયન અભિયાન અંતર્ગત વનવિભાગ દ્વારા રાજુલા તાલુકાના કોવાયામાંથી મુક્તપણે વિચરતા પાંચ નિર્દોષ સિંહોને કોઈ પણ પ્રકારના કારણ વગર પાંજરામાં કેદ કરી અજ્ઞાત સ્થળે પુરી દેવામા આવ્યા છે. આ એશિયાઇ સિંહ શિડયુલ એકમાં આવતા પ્રાણી સમગ્ર ગુજરાતનુ ગૌરવ છે. ત્યારે વનવિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે વનવિભાગ યોગ્ય ખુલાસો આપે અને તમામ પાંચ સિંહોને તેમના વિસ્તારમા તાત્કાલિક મુક્ત કરે તે માંગણી સાથે સમગ્ર ગુજરાતના વન્યજીવપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, સામાજીક સંસ્થાઓ સામાજીક કાર્યકરો રાજકીય કાર્યકરો ખૂબ મોટી સંખ્યામા વનવિભાગ વિરુદ્ધ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદશન કરી આવેદનપત્ર આપશે. આ કાર્યક્રમમા નિર્દોષ સિંહોને બચાવવા માટે પ્રયાસો સાથે પ્રદર્શન કરાશે.

ગુજરાત ભરના સિંહો પ્રેમીઓ આવશે ધારી
તારીખ 26-08 ધારી નાયબ વન સંરક્ષણ ગીર પૂર્વ કચેરી ખાતે સવારે 12 કલાકે રમેશભાઈ રાવળ, પ્રિકેશભાઈ કોટડીયા,વીરેનભાઈ કુંવરીયા,વિપુલભાઈ લહેરી, મયંકભાઈ ભટ્ટ,વજુભાઇ ડાંગર, સહીત સ્થાનિક કેટલાક સિંહપ્રેમીઓ મોટી સંખ્યામા જોડાય તેવી શકયતા છે.

સિંહપ્રેમી વીરેનભાઈ કુવરીયાએ જણાવ્યુ હતુ કે, આવતીકાલે સુરત વડોદડરા અમદાવાદ સહિત ગુજરાત ભરના સિંહપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓઓ અને રાજકીય નેતાઓ પણ જોડાશે. સિંહો બચાવવાના બેનરો સાથે સુત્રોચાર ધારી વનવિભાગ સામે કરીશુ ત્યારબાદ આવેદનપત્ર આપીશું અને વધુ કાર્યક્રમ ત્યાં જ નક્કી કરીશું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે. જ્યારે પૂર્વ વાઇલ્ડ લાઈફ વોર્ડન વિપુલભાઈ લહેરીએ જણાવ્યુ હતુ કે, ખૂબ મોટા પર્યાવરણ પ્રેમીઓ ગુજરાતમાંથી આવી રહ્યા છે. સિંહોને બચાવવા માટે અને નિર્દોષ સિંહોને પરત તેમના વિસ્તારમાં મૂક્ત કરવા માટે વિરોધ પ્રદશન કરીશુ.

સાંસદે પણ સિંહનું સ્થળાંતર ના કરવા CM અને વનમંત્રીને રજૂઆત કરી
અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયામાંથી પાંચ સિંહને અન્ય સ્થળે લઈ જવાતા હાલ સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. કૉંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે પણ આ મુદ્દે રજૂઆત કરી સિંહને પરત કોવાયા વિસ્તારમાં લાવવાની માગ કરી છે. ત્યારે સાંસદ નારણ કાછડિયાએ પણ કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાંથી સિંહનું સ્થળાંતર રોકવા માટે તેઓ દ્વારા મુખ્યમંત્રી અને વનમંત્રીને મૌખિક રજૂઆત કરવામા આવી છે. જરુર પડ્યે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરીશ.

અન્ય સમાચારો પણ છે...