રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીનો આરંભ થઈ ગયાના સંકેતો મળ્યા છે. મંગળવારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં અડધાથી લઇ બે ઇંચ વરસાદ થઇ ગયો હતો. ખાસ કરીને લાઠી પંથકમાં બે ઇંચ વરસાદથી ગાગડીયો નદી દોડવા લાગી હતી.
અમરેલી પંથકમાં બપોર બાદ બપોર બાદ હવામાન પલટાયું હતું. અને સાંજ પડતા સુધીમાં આકાશમાં ઘનઘોર વરસાદી વાદળો ચડી આવ્યા હતા. લાઠી પંથકમા જાણે ચોમાસાનો વિધિવત્ આરંભ થઇ ગયો હોય તેમ મેહુલીયો મન મુકીને વરસી પડયો હતો. લાઠી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આગમન સાથે જ મેઘરાજાએ દોઢેક કલાક સુધી આકાશમાંથી અમૃતધારા વરસાવી હતી અને બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. અહી 4 થી 6 વાગ્યાના સમયગાળામા 46મીમી વરસાદ પડી ગયો હતો અને ત્યારબાદ પણ વરસાદ શરૂ હતો. આના કારણે લાઠીની ગાગડીયો નદીમાં પૂર આવતા દુધાળા નજીક હરિકૃષ્ણ સરોવરમા નવા નીર આવ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના વંડા, શેલણા, મોટા ભમોદરા, આંકોલડા તથા આસપાસના વિસ્તારમા બપોરબાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો. અહી જોતજોતામા અડધો ઇંચ વરસાદ પડી જતા ગ્રામિણ માર્ગો પર પાણી દોડયા હતા.
ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર- દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે 8થી 10 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે. 8-9 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, પાટણ, કાંકરેજમાં હળવો વરસાદ
ઉત્તર ગુજરાતમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે ઘરોના પતરાં ઉડવાની સાથે હળવો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભલગામ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો સવા ડિગ્રી સુધી તાપમાન 41 ડિગ્રીથી નીચે આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. અમરેલીમાં મોડી સાંજે ઘનઘોર વાદળો છવાયાં હતાં. જો કે અડધા શહેર પર માત્ર ઝાપટું પડ્યું હતું. વરસાદના આગમનને પગલે બપોરબાદ લોકોને આકરી ગરમીમાં રાહત મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.