વેધર:પ્રિમોન્સુન એક્ટિવીટી : 3 ગામમાં આંધી સાથે વરસાદ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ : અમરેલી પંથકમાં આકરા તાપ વચ્ચે ઉકળાટ યથાવત, કોઇ નુકસાન નહીં

અમરેલી જિલ્લામા જગતનો તાત હવે ચોમાસુ કયારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યો છે. તેવી સ્થિતિની વચ્ચે પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઇ છે. બાબરા તાલુકાના પંચાળ પંથકના ગ્રામિણ વિસ્તારમા ઉકળાટ બાદ વાદળો વરસી પડયા હતા. 15 મિનીટ સુધી વરસાદ વરસતા અહી સીમમા પાણી દોડવા લાગ્યા હતા.

થોડા દિવસ પહેલા આકાશમા છુટાછવાયા વાદળો છવાયા બાદ અમરેલી પંથકમા ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. અને છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમા તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર ચાલી રહ્યો છે. તેની વચ્ચે હવે પ્રિમોન્સુન એકટીવીટી પણ શરૂ થઇ છે. આમ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઇ ન હતી. પરંતુ બાબરા તાલુકાના પંચાળ પંથકના છેવાડાના ગામોમા અચાનક વરસાદ વરસી ગયો હતો.

સાંજના સમયે ખંભાળાની સીમમા તથા નાની કુંડળ અને શિરવાણીયા સહિતના ગામોમા અચાનક વરસાદ શરૂ થયો હતો. આ પુર્વે અહી તેજ પવનની આંધી ફુંકાઇ હતી. અને ધુળના ભારે વંટોળ જોવા મળ્યાં હતા. જેના કારણે લોકોને થોડે દુરનુ દ્રશ્ય જોવુ પણ મુશ્કેલ બન્યું હતુ. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઇ હતી. આ વિસ્તારમા દસથી પંદર મિનીટ સુધી સતત વરસાદ વરસતો રહ્યો હતો. જેના કારણે ગ્રામિણ માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને ઠેકઠેકાણે ખાબોચીયા ભરાયા હતા. કમસેકમ ચોમાસુ ઢુંકડુ છે તેવા એંધાણ મળતા ખેડૂતો રાજી થયા છે. હાલમા ઉનાળુ પાકનુ કામ પણ પુર્ણ થઇ ગયુ છે તેથી આ વરસાદથી કોઇ ખાસ નુકશાન થયુ ન હતુ.

20 મિનીટ ઝાપટંુ વરસ્યંુ: સરપંચ વલ્લભભાઇ
નાની કુંડળના સરપંચ વલ્લભભાઇએ જણાવ્યું હતુ કે ખંભાળાથી શરૂ થઇ નાની કુંડળ અને મોટી કુંડળના સીમાડા સુધી નેવે ધારૂ થાય તેવુ ઝાપટુ પડયુ હતુ. 15 થી 20 મિનીટ વરસાદ વરસ્યો હતો.

ડુંગરની સીમમાંથી પવન ફુંકાયો: સરપંચ પ્રકાશભાઇ
શીરવાણીયાના સરપંચ પ્રકાશભાઇએ જણાવ્યું હતુ કે ડુંગરની સીમ તરફથી ભારે પવન ફુંકાવાની શરૂઆત થઇ હતી અને ધુળની ડમરીઓ ઉડયા બાદ દસ મિનીટ સુધી વરસાદ વરસ્યો હતો.

ગઢડા પંથકના ગામોમાં પણ વરસાદ
અહી બાબરા તાલુકાની બોર્ડર પર આવેલા ગઢડા તાલુકાના ઇતરીયા, લીંબાળી, ગઢાળા વિગેરે ગામોમા પણ આવી જ રીતે પવન સાથે વરસાદ પડયો હતો.

અમરેલીમાં 42.2 ડિગ્રી તાપમાન
જો કે અમરેલી પંથકમા રાત્રીના સમયે છુટાછવાયા વાદળો નજરે પડે છે. તેની સાથે સાથે પારો પણ ઉંચકાયો છે. આજે અમરેલીમા મહતમ તાપમાન 42.2 ડિગ્રી હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26 ડિગ્રી હોવા સાથે ઉકળાટ અનુભવાતો હતો. ભેજનુ પ્રમાણ વધીને 80 ટકા હોય બફારો અનુભવાય છે. પવનની ગતિ સરેરાશ 11.8 પ્રતિ કિમીની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...