કોંગી MLA ટિકિટ માટે તલપાપડ:સાવરકુંડલાથી પ્રતાપ દૂધાતે કહ્યું- '11 તારીખે ફોર્મ ભરવા જવાનો છું, તમારા લાગતા વળગતાને લઇને આવી જજો'

અમરેલી19 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ગાંધીનગરની ગાદીએ બેસવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘણા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હજુ મનોમંથન કરી રહી છે. ત્યારે સાવકુંડલા બેઠક પરથી ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસ પાર્ટી પાસે અનોખી રીતે ટિકિટ આપવા માંગ કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં જાહેર મંચ પરથી કહ્યું કે, 'હું 11 તારીખે ફોર્મ ભરવા જવાનો છું, મારી પાર્ટીને વિનંતી છે કે મને ટિકિટ આપે. જ્યારે જનતાને અપીલ કરી હતી કે તમે પણ તમારા લાગતા વળગતાને જોડે લઇને આવજો.'

પ્રદેશ પ્રમુખે હજુ લિસ્ટમાં નામ નથી આપ્યું: પ્રતાપ દૂધાત
અમરેલીમાં લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે રવિવારે બાબરા શહેરમાં કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહીં અમરેલીની પાંચેય બેઠક કબ્જે કરવા માટે સંકલ્પ લેવાયા હતા. અહીંયા ઉપરસ્થિત સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, 'હું મારુ આમંત્રણ આપવા આવ્યો છું, પ્રદેશ પ્રમુખ અહીં બેઠા છે. પ્રદેશ પ્રમુખે હજુ લિસ્ટમાં નામ નથી આપ્યું પરંતુ કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું 11 તારીખે ફોર્મ ભરવા જવાનો છું. ત્યારે તમારા લાગતા વળગતાને મોકલજો અને સંદેશો આપજો સાવરકુંડલા કોંગ્રેસને મજબૂત બનાવજો.'

ઘણા નામ જાહેર કરવાના બાકી
ગુજરાતની ચૂંટણીના ચક્રવ્યૂહમાં પાર્ટીઓ તાકાત હોમીને કામે લાગી ગઈ છે. રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરવાના શરૂ કરી દીધા છે, જેમાં કોંગ્રેસે કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેને લઇને ક્યાંક ઉમેદવારો અને મતદારોમાં ખુશી તો ક્યાંક વિવાદ પણ ઉભો થયો છે. જોકે, હજુ ઘણા નામ જાહેર કરવાના બાકી છે, જેમાં ઘણા ઉમેદવારો આશા લઇને બેઠા છે, ત્યારે જોવું રહ્યું કે કોની આશા પૂરી થાય છે અને કોની બાકી રહી જાય છે.

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી

અન્ય સમાચારો પણ છે...