હત્યારો કોણ?:સાવરકુંડલાના ભુવા રોડ નજીક યુવાનની તીક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા, DYSP સહિત પોલીસ કાફલો હત્યારાને શોધવા કામે લાગ્યો

અમરેલી14 દિવસ પહેલા
  • યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ છરી જેવા હથિયાર વડે હત્યા કરાઈ
  • દિવાળીના તહેવાર બાદ જિલ્લામાં ત્રીજી હત્યાથી લોકોમાં ચકચાર
  • મૃતકની લાશ પીએમ માટે હોસ્પિટલમાં લવાઈ, હત્યારાને શોધવા પોલીસની કવાયત શરૂ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરના ભુવા રોડ નજીક 30 વર્ષીય યુસુફ દિલાવરભાઈ ઝાખરાની તીક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ છરી જેવા હથિયાર વડે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના સ્થળેતી બાઇક પણ મળી આવ્યું હતું, જે મૃતકનું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા DYSP કે.જે.ચૌધરી, રૂરલ-ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જુદી જુદી તપાસ શરૂ કરી હતી. મૃતકની લાશ સાવરકુંડલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી, તેમજ ડોક્ટર દ્વારા પી.એમ શરૂ કરાયુ્ં હતું. ઘટનાને પગલે મૃતકના સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને શોક છવાયો હતો.

હત્યાને પગલે સ્થાનિક પોલીસ અને અમરેલી LCB, SOG પોલીસની ટીમોએ પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. મૃતક કલર કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. નોંધનાય છે કે દિવાળીની રાતે સાવરકુંડલાના પીઠવડી નજીક એક યુવાનની હત્યા થઈ હતી, ત્યારબાદ એસ.ઓ.જી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી પડાયો હતો. ત્યારબાદ થોડા દિવસમાં રાજુલા નજીક વાવેરા ગામ નજીક બાબરીયાધારના યુવાનની હત્યા કરાઈ હતી અને રાજુલા પોલીસે 2 આરોપી ઝડપી પાડ્યા હતા અને આજે ત્રીજી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...