વારા પછી વારો:અમરેલીમાં 20મીએ મોદી, 22મીએ રાહુલ ગાંધીની સભા, પીએમ કુલ 25 સભાઓ કરશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વારા પછી વારો, મારા પછી તારો
  • જ્યાં મોદીની સભા થશે એ જ ડોમમાં રાહુલ લોકોને સંબોધશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થયા બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી હજુ સુધી પ્રચારથી અળગા રહ્યા હતા પણ હવે તેઓ મેદાનમાં આવી રહ્યા છે. આગામી 22 નવેમ્બરે રાહુલ ગાંધી અમરેલીમાં જનસભાને સંબોધવાના છે. રાહુલ પહેલા 20 નવેમ્બરે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે. અને રસપ્રદ વાત એ છે કે મોદી અને રાહુલ ગાંધી બન્ને એક જ સ્થળે એક જ ડોમમાં સભાને સંબોધશે. અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ રહ્યો છે. આ વખતે ભાજપ ધાનાણી પાસેથી ગઢ આંચકી લેવાની ફિરાકમાં છે અને એટલે જ પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયું છે.

જો કે આવું પહેલીવાર નથી બન્યું. પાછલી બે વિધાનસભાની ચૂંટણીથી બની રહ્યું છે કે જેમાં અમરેલી ખાતે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એમ બંને નેતા પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચારમાં આવે. જો કે નરેન્દ્ર મોદી આવવા છતા ભાજપે બન્ને વખત સીટ ગુમાવી હતી. હવે 20મીએ અમરેલીના ફોરવર્ડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. ભાજપ દ્વારા આ માટે આજે તંત્ર પાસે મંજુરી માંગવામા આવી હતી. તો સામાપક્ષે આ જ મેદાનમા 22મીએ રાહુલ ગાંધીની સભા યોજાશે.

કોંગ્રેસ દ્વારા આજે આ સભાના આયોજન માટે પક્ષની મિટીંગ બોલાવાઇ હતી. ભાજપ-કોંગ્રેસ બન્નેએ સભાનો કોન્ટ્રાક્ટ એક જ વ્યક્તિને આપ્યો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સભા એક જ સભા મંડપમાં યોજાશે. મોદીની સભા માટે જે ડોમ અને મંડપ બનાવવામા આવશે તેમા જ રાહુલ ગાંધીની સભા થશે. કારણ કે બન્નેએ એક જ કોન્ટ્રાકટરને કામ સોંપ્યુ છે અને મેદાન પણ એક જ હોવાથી સભા મંડપમા થોડો ફેરફાર કરી બન્ને સભા એક જ સ્થળે યોજી દેવાશે.

વડાપ્રધાન મોદી 19-20 નવેમ્બરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં
વડાપ્રધાન મોદી 19મીથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. 19 અને 20 નવેમ્બરે મોદી બે દિવસ ગુજરાતમાં રોકાશે અને 6 બેઠકો પર 6 જેટલી જનસભા અને રોડ શો કરશે. સંભવિત કાર્યક્રમ મુજબ મોદી 19મી નવેમ્બરે વાપીમાં ભવ્ય રોડ શો કરશે અને વલસાડમાં જનસભાને સંબોધન કરશે. 20મીએ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં મોદીની સભાઓ યોજાશે. મોદીના આગામી પ્રવાસનું આયોજન પણ થઇ રહ્યું છે. બંને તબક્કામાં થઇને મોદી 25થી વધુ સભાઓ ગજવે તેવી શક્યતા છે.

સોનિયા ગાંધી સામેલ, પણ આવશે નહીં
કોંગ્રેસે મંગળવારે ગુજરાતની ચૂંટણી માટેના પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ પણ સામેલ છે. જો કે પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધી રાજ્યમાં પ્રચાર માટે આવે એવી ઓછી શક્યતા છે. સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી, જગદીશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, કન્હૈયા કુમાર સહિતના નેતા છે.

અન્ય સમાચારો પણ છે...